Wednesday 9 November 2011

સ્વાતંત્ર્ય દિવસ



સમી સાંજ નું વાતાવરણ એટલે મારો પ્રિય સમય..ગુલાબી ગુલાબી આકાશ,હુ મારી બાલ્કની માંથી જોવ તો મને એમ થાય કે આ સમય પુરો થાય જ નહી...આકાશ ને નીરખે જ રાખુ..બધુ કામ પતાવીને હુ આ, સમય ને મારી માટે રાખું...

આજે પણ બાલ્કની માં આરામ ખુરશી નાંખીને બેઠી હતી.. આરામ ખુરશી નો એક ફાયદો એ જ કે એમાં પોતે જ નજર ઉપર જ રહેતી..એટલે બીજે ક્યાંય જોવનો પ્રશ્ન જ ન આવતો.
રોજ ની જેમ આજે પણ હુ સાંજ નાં ખુશ્નુમા વાતાવરણ ને મારા હ્રદય માં ભરતી હતી. ત્યાં નીચે થી કોઇક્નાં બૂમો પાડવાનો અવાજ આવ્યો..હવે તો મારે ઉભા થઈને નીચે જોયે જ છુટકો કરવાનો હતો..હુ ઊભી થઈ અને જોયુ તો એક મોટી ઉમર નાં માજી પર એની વહુ બૂમો પાડતી હતી.."આ તમારી ગંદકી અમારે સાફ કરવાની..આ તમે શું માડ્યુ છે..હજી કેટલા વર્ષો જીવશો મારા લોહી પીવા"..માજી ચુપચાપ સાંભળતા હતા..મને દયા આવી.એમ થયુ કે ચલ ને માજી ને અહીંયાં લઈ આવું..પણ હમણાં વહુ ને છંછેડવા જેવી ન હતી..એટલે મારે સમસમીને બેસી
જાવું પડયુ..થોડીવાર બધું ચાલ્યું અને પછી બધું શાંત થઈ ગયુ..
મે પછી જરા બહાર આંટો મારવાનુ નક્કી કર્યુ..મારા માતા પિતા હતા નહી..મારો ભાઈ અલગ થઈ ગયો હતો અને મે મારા લગ્નજીવન માં છૂટાછેડા લઈ લીધા હતા..એટલે મારે કોઇને જવાબ નહોતો આપવાનો..કે ક્યાં જાય છે? શું કામ જાય છે?ક્યારે આવીશ હુ મારી મરજી ની માલીક હતી.. નીચે ઉતરી ત્યાં મને એ માજી નો દીકરો મલ્યો.. મે એને પુછ્યુ" આ શું ચાલે છે તારા ઘરમાં...તારા ઘર વાળા ને કહે કે જરા શાંતિ થી વાત કરે માજી સાથે..
એ કાંઈ ન બોલ્યો.ચુપચાપ માથુ નીચે રાખીને ઉભો હતો..મને ખબર પડી ગઈ કે આ ભાઇ નું ઘર માં કાંઇ ચાલતું નથી..
બીજે દિવસે ૧૫ મી ઓગષ્ટ હતી..અમારી કોલોની માં જાત જાતનાં પ્રોગ્રામ થતા હતા..સૌથી પહેલાં હ્તુ પ્રવચન વીધી..એક પછી એક બધાએ બોલવાનું ચાલુ કર્યું..દેશ માટે, દેશ ની પ્રગતિ માટે..દેશ નાં નેતાઓ માટે વિધ્યાર્થી ઓ ને પ્રોત્શાહન આપતા પ્રવચન કર્યા..બધાએ તાળી ઓ નાં ગડાગડાહટ સાથે બધાને વધાવ્યા..હવે બધાએ મને કહ્યુ કે તમે પણ બે શબ્દ કહો..મે કોઇ વિષય નક્કી કર્યો ન હતો..પણ આવતી ચેંલેજ ને સ્વીકારવુ એ એક આદત હતી એટલે ઉભી થઈ અને જેવી માઈક પાસે જાતી હતી ત્યાં ઓલા માજી ને જોયા કે જે એક ખૂણા માં બેઠા હતા..મે માઈક લઈને કહ્યુ કે "આજે બધાએ બહુ સારા પ્રવચન આપ્યાં..પણ દેશ માટે.નેતા ઓ માટે,જેમાં નુ કાંઇ આપણે બદલી નથી કરી શક્વાના..તો આપણે એટલુ જ વિચારીયે કે, જે આપણા હાથ માં હોય, અને જે આપણે બદલી કરી શકતા હોઈયે.
અને માર હીસાબે સૌથી મોટો મુદ્દો છે કે આપણા ઘર નાં વ્રુધ્ધો..હુ હમણા એક પુસ્તક વાંચતી હતી એમાં મે વાંચ્યુ કે આપણા એક નેતા ને કહેવામાં આવ્યું કે આપ અમારાં વ્રુધ્ધાશ્રમ નું ઉધ્ગાટન કરવા આવો.તો એમણે ના પાડી અને કહ્યુ કે જ્યારે એ વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે મને કહેજો હું આવીશ..મને એમની એ વાત ના ગમી.મને એમ થયુ કે શું કામ વ્રુધ્ધાશ્રમ નહી ખોલવાનાં.. ઘરમાં દિકરા વહુ બરોબર ન રાખતા હોય અને વ્રુધ્ધાશ્રમ ખૂલે નહી તો વ્રુધ્ધો કેટલાં હેરાન, એ કોઇ એ વિચાર્યું છે? જેમનાંથી પોતાનાં વ્રુધ્ધો ન સચવાતા હોય એમને મારી વિનંતી છે કે આશ્રમ મા ભરવાના પૈસા મારી પાસે થી લઈ જાય પણ એમને શાંતી થી જીવવા દ્યો..અને આજે હુ એ વાતની શરૂઆત કરું છુ, આપણી જ સોસાયટી ના માજી થી જો તેઓ ઇચ્છતા હોય તો હું એમને વ્રુધ્ધાશ્રમ માં મુકી આવવા તૈયાર છુ.. અને હુ ચુપ થઈ ગઈ..ન તાળી ઓ પડી ન કાંઇ અવાજ જાણે સ્મશાન ની શાંતિ..હુ શાંતિ થી બધુ જોતી હતી..કે કોણ હવે શું કરે છે? બધાં ની નજર એ માજી પર. વહુ ગુસ્સે થી મને અને એ માજી ને જોતી હતી... માજી ધીરે થી ઉભા થયા.ને જોર થી એમણે તાળી પાડવાનું શરૂ કર્યું.. અને બધાં એ એમનો સાથ આપ્યો..એ માજી એ ઇશારો કર્યો અને કહ્યુ "મને માઈક આપો"

બધાએ એમનાં સુધી માઈક પહોચાડ્યો..માજી બોલ્યા.કે દીકરી તે આજે મારો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો..જલ્દી ચાલ મારે વ્રુધ્ધાશ્રમ માં જાવું છે..અને એમના દીકરા ની આંખો માં થી અશ્રુ સરી પડયા..



નીતા કોટેચા..

Friday 4 November 2011

હાંસિયામાં

બારી પાસે ચૂપચાપ ઊભેલી નીરૂપમા ઘૂઘવાતા દરિયાને જોઇ રહી. વહેલી સવારનું ઉઘડતું આકાશ, દરિયાની લહેરો, દૂર ક્ષિતિજ પર દેખાતી માછીમારની હોડીઓ, ઉડતા પક્ષીઓની હાર અને દરિયે મોરનિંગ વોક લેતા લોકોને હોસ્પિટલનાં સાતમાં માળની રૂમમાંથી જોતી નીરુપમાના મનમાં પણ ગઇ રાત થી દરિયાની લહેરો જેવી હલચલ હતી. થોડી થોડીવારે પલંગ પર સૂતેલા એના પતિ કેતન તરફ એક નજર નાખતી નીરૂને થયું , આજે કેટલાં દિવસ પછી કેતન શાંતિ થી સૂતો છે. રૂમની બહાર હોસ્પિટલની સવારની રોજિંદી દોડધામ હતી. એ બધાથી બેખબર સૂતો હતો. આમ જોવા જાવ તો છેલ્લાં છ મહિનાથી નીરૂ પણ ક્યાં શાંતિથી સૂતી છે...
 એક અડધી રાતે એને જગાવતા કેતને કહ્યુતું" બહુ માથું દુખે છે પ્લીઝ નીરૂ કંઇ કર. આખી રાત એ બૂમાબૂમ કરતો રહ્યો. 
વહેલી સવારે જ તેઓ બન્ને ફેમીલી દોક્ટર પાસે પહોંચી ગયા. કેતનનું બ્લડ પ્રેશર હાય હતું.. ડોકટર પરીખે તપાસીને દવા આપતા કેતનને બે ત્રણ દિવસ આરામ કરવાનું કહ્યુંતું. ઓહ..નો.. ડોકટ્ર આજે તો ઘરે નહી રહેવાય. એકદમ અગત્યની મીટીંગ છે. કંઇક પણ કરો આ માથું દુખતુ બંધ કરો..
 કેતનભાઇ તમને આરામની જરૂરત છે ..ફક્ત દવાથી કશું  નહી થાય.. બે એક દિવસ આરામ કરો.રીલેક્સ. ઓફીસ ભાગી નહી જાય ..કાલે પાછા પ્રેશર મપાવા આવજો. નીરૂબેન ,એક કામ કરો કેતનભાઈને
 લઇને બે ત્રણ દિવસ મુંબઈની બહાર  જાવ. અરે ડોકટર સાહેબ મને ક્યાં મરાવો છો આમેય નીરૂની ફરિયાદ છે કે હું એને નહીં મારી ઓફીસને પરણ્યો છું. અને એણે નીરૂ સામે જોઇને હસવાનો પ્રયત્ન કર્યો..  કેતન સામે જોઇ રહેલી નીરૂને થયુંતું કે સાચે જ કેતનને આરામની જરૂર છે. હમણા રોજ રાતે ઓફિસેથી પાછો ફરે ત્યારે સોફા પર કેવો ઢગલો થઈને પડે છે . ખાવાપીવાનાયે હોશ નથી રહેતા પણ સાંભળે તો ને..
 ધીરે ધીરે દરિયા પર હલચલ વધી ગઈ . કિનારે આવેલી હોડીઓમાંથી માણસો માછલી ઉતારવા લાગ્યાં. માછલીઓને પકડવા પક્ષીઓનું ટોળું હોડીની આસપાસ ઊડવા લાગ્યું. એકબીજાનો હાથ પકડીને દરિયાની લહેરોમાં પગ બોળીને ઉભેલા એક કપલને નીરૂ એકીટશે જોઇ રહી. એ અને કેતન આમ જ લગ્નનાં શરૂઆતનાં દિવસોમાં રવિવારની સવારે વરસોવાના દરિયે ફરવા જતા. કેવા મજાનાં દિવસો હતા , પલંગ પરે સૂતેલા કેતન તરફ જોતા એને થયું કેતન ત્યારે કેવો હેન્ડસમ હતો. કાળા ઘેરા વાંકડિયા વાળનો  માથે જથ્થો હતો. હવે તો ટાલ પડી ગઈ. બંને જણા હાથમાં હાથ પોરવીને દરિયે ચાલતા ત્યારે લોકો નજર ભરીને એમને જોતા અને ખુશ થતો કેતન એને વધુ પાસે ખેંચીને ચાલતો . એકવડા બાંધાની ઊંચી નીરૂ પણ મસ્તીમાં કેતન પર પાણીની છોળો ઉડાડીને એને ભીંજવી નાખતી. 
નીરૂજ કેતનની દુનિયા હતી. ગુલછડીની દાંડી જેવી કમનિય નિરૂપમા પાછળ કેતન પાગલ હતો. નીરૂ , ઘર અને નોકરીમાં કેતનનીદૂનિયા સમાઈ જતી. પહેલા પુત્રનો પિતા બનતા કેતન ફૂલ્યો ન્હોતો સમાયો. રવિવારની સવારનો દરિયે જવાનો ક્રમ ચાલુ હતો.. હવે એમાં સુજીત ઉમેરાયો હતો. બીજા પુત્ર સુનિતના જન્મ પછી નીરૂ બન્ને બાળકોને લઈને દરિયે જતી પણ કેતન સાથ ન આપી શક્તો. એને ક્યારેક શુટ પર બહારગામ જવું પડતું. તો ક્યારેક ક્લાયન્ટ સાથે બ્રેક્ફાસ્ટ મીટીંગ રહેતી.
  ઊચો મજબૂત બાંધાનો કેતન તરવરાટ વાળો હતો. દરિયાની લહેરોની જેમ એની આંખોમાં સ્વપ્નાની ભરતી હતી.. એડવર્ટાઈઝીંગ કમ્પનીમાં ક્રીયેટીવ ડીપાર્ટમેન્ટ માં કામ કરતા કેતનની તૈયાર કરેલી સાબુની
જાહેરખબર પહેલીવાર ટી.વી પર આવી ત્યારે બન્ની સેલીબ્રેટ કર્યુતું.. નીરૂ બધાંજ ઓળખીતા પાળખીતાને કહી વળીતી. ત્યાર પછી કેતને પાછું ફરીને જોયું નહોતું. હરણફાળ ભરતી કેતનની કેરીયરે આજે એને એડવર્ટાઈઝીંગની દૂનિયાનો બેતાજ બાદશાહ બનાવ્યો હતો.. એ દુનિયામાં કેતન જોશીના નામના સીક્કા પડતા. એક જ કમ્પનીમાં છેલ્લા પ્ચ્ચીસ વર્ષ ખરચી નાખનાર કેતન ખાતા પીતા ઉંઘતા બસ કમ્પનીના જ વિચારો કરતો ..
  મસમોટો ફ્લેટ, રાચરચીલું આધુનિક સગવડથી ઘર ભરાઇ ગયું. પૈસાનાં બંદલથી નીરૂની પર્સ ભરેલી રહેતી. ઓફિસની પાર્ટીઓમાં નીરૂને લઇ જવામાં કેતન ગૌરવ અનુભવતો .
 હંમેશ ઓફિસની નાની મોટી વાત કેતન, નીરૂને કહેતો. પણ ધીરે ધીરે આ બધું ઓછુ થઈ ગયું . બી.કોમ. પાસ કર્યા પછી પોતાના કાકાની કંપની માં કામ કરવા લાગેલી નીરૂ પછી તો ઘર , બાળકો ,સગાવ્હાલા માંદગી વિ. ની પળોઅજણમાં અટવાઇ ગઈ અને સિધ્ધિના પગથિયા ચઢતો કેતન નીરૂથી ક્યાંય ઊંચે ચઢી ગયો. દરિયાને જોતી નીરૂ ને એકાએક થયું એ પોતે એક એક્વેરિયમની માછલી હતી. બધી જ સગવડોની વચ્ચે દીવાલોમાં પૂરાયેલી અને કેતન..સાત સાગરની સફરે નીકળ્યો તો..બારી પર ઉભેલી નીરૂના મને પ્રશ્ન કર્યો , આ બધું શું વિચારે છે..નીરૂ સાવ પાગલ છો તું, એ તો કહે કેતન ક્યારેય તારી વર્ષગાંઠ કે એનિવરસરી ભૂલ્યો છે? બીજા પતિ જેવો લફરાબાજ છે? ક્ષણ ભર નીરૂના મનની ગડમથલ થોભી ગઈ. મનમાં ને મનમાં નીરૂ બોલી હા, એ વાત સાચી. એવુ ન્હોતું કે કેતનને એની પડી નહોતી. કોઇ વરસગાંથે કે એનીવરસરી એ ભૂલ્યો ન્હોતો. મ્યુઝીકની શોખિન નીરૂ માટે એ ક્યાં ક્યાંથી સીડીનાં ઢગલા કરતો. પણ મ્યુઝીકનાં પ્રોગ્રામોની ટીકીટો મંગાવતો કેતન ઘણીવાર નીરૂને સાથ ન આપી શક્તો. ધીરે ધીરે કેતનના કેન્દ્રબિંદુમા રહેતી નીરૂ હાંસિયામાં ધકેલાઇ ગઈ હતી..
  ગુડમોર્નિંગ.. રૂમનાં દરવાજેથી મીઠો સ્વર સંભળાયો . આજ હમારા પેશન્ટ કૈસા હૈ?સિસ્ટરે  રૂમમાં અંદર આવતા પુછ્યું , ઓલ રેડી ટુ ગો હોમ મી. જોશી? ઓહ સિસ્ટર વેરી ગુડ મોર્નિંગ કેતને જવાબ આપ્યો. આફટર લોંગ ટાઇઅમ આઇ હેડ વેરી ગુડનાઈટ સ્લીપ. વેરી ગુડ મી. જોશી. અરે નીરૂ ત્યાં કેમ ઉભી છે, ચલ લેટ્સ ગેટ રેડી, ઉત્સાહથી ભર્યો કેતનનો અવાજ નીરૂએ સાંભળ્યો. ડોન્ટ બી એન હરી, ઇતના જલ્દી મત મચાવ. અભી ડિસચાર્જ ઓર્ડર આને દો. . સિસ્ટરે બ્લડ પ્રેશર માપતા કહ્યું . મિસીસ જોશી ઘરપે આપકો સબ દવા કૈસે દેના હૈ વો આપ સબ સમજ લેના. કહેતી સિસ્ટર રૂમની બહાર નીકળી ગઈ . નર્સ નાં જાતા જ કેતન પલંગમાંથી ઊભો થવા લાગ્યો. આદત વશ જ નીરૂઅએ હાથ પકડવાનો પ્રયાસ કરતાં કહ્યું  જરા ધીરે કેતન...
પ્લીઝ નીરૂ હું જાતે ઉઠીશ. હવે પહેલા કરતા મને ઠીક ઠીક દેખાય છે..
પણ ચક્કર આવશે તો...નીરૂએ જરા ઉશ્કેરાહટમાં કીધું..
ટેઇક ઇટ ઇઝી નીરૂ હુ ધીરે ધીરે ચાલીશ.મને પાંગળો ન બનાવ. ક્યાં સુધી તારો સહારો લઈશ..
અને કેતન ધીરા ડગલા ભરતો બાથરૂમ તરફ ગયો. ક્યાં સુઉધી તારો સહારો લઇશ એ શબ્દો ઝીણા ચૂટિયા જેવા નીરૂને  ચચરવા લાગ્યાં. નીરૂ પાછી બારીની બહાર જોઇ રહી. સી લીંક પર ગોઠવાયેલા ક્રેનને જોતા નીરૂ ને થયું કે આમ જ એ ક્રેનની જેમ જીંદગીના ચોસલાઓને મરજી મુજબ ગોઠવી શકી હોત તો...
ડોકટર પરીખ ની સલાહને કેતને કાને ન્હોતી ધરી. માથાનો વારંવાર દુખાવો થવા લાગ્યો. દવા લેવા છતાં પણ પ્રેશર ખાસ ઘટતું ન્હોતું. ડોકટરે ઘણાં બધા ટેસ્ટ કરવાના લખી આપ્યા તા. પણ કેતન બધું કાલ પર ટાળતો. પહેલીવાર નીરૂને ગભરામણ થઈતી. પોતાની તબિયત પ્રત્યે બેદરકાર રહેતા કેતન પર નીરૂને ઘણો ગુસ્સો આવતો. આંખો ખેંચી ખેચીં લેપટોપ પર કામ કરતા કેતનને એક દિવસ અચાનક આંખે 
ધુંધળુ દેખાવા લાગ્યું .ઊંઘમાંથી માથાના સખત દુખાવા સાથે જાગેલા કેતને નીરૂઅના નામની બેબાકળી બૂમ પાડી. નીરૂ પ્લીઝ ..નીરૂ ..મને કલીયર નથી દેખાતુ. જાણે એક ધરતીકંપ થયો હોય એમ આખી દુનિયા ઉલટસુલટ થઈ ગઈ . ત્યાર પછી તો એક ડોકટર પછી બીજા એક ઓપિનિયન પછી બીજો, પછે એમ. આર.આઇ. ,બ્લડ ટેસ્ટ, , હોસ્પિટલોનાં ચક્કર, રાત દિવસની દોડભાગઅને છેવટે બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું . ટ્યુમરનાં નામ સાથે જાણે કોઇ હિંસક પ્રાણી મોઢું ફાડીને તમને ગળી જવા ઉભું હોય એમ કેન્સરનો ભય બધાને સતાવવા લાગ્યોં. આ બધા વચ્ચે નીરૂ અડીખમ ઉભી હતી. શરૂઆતની ગભરામણ પછી નીરૂએ મન મક્કમ કરી લીધુ હતુ. બન્ને દીકરા યુ.એસ.એ થી આવી ગયા હતા..સગા વ્હાલા,દીકરાઓ બધાથી ઘેરાયેલો કેતન નાના બાળક જેવો થઈ ગયો હતો.. નીરૂ જરા પણ દૂર જાય તો નીરૂ ..નીરૂ કરી ઉઠતો..નીરૂનો હાથ પકડી રાખતો. હળવે હળવે નીરૂ એનાં માથા પર હાથ ફેરવતી. શરીરનાં બહૂજ નાજુક ભાગનું ઓપ્રેશન હતું. ઓપ્રેશન પછી આઇ.સી.યુ માં ક્રીટીકલ હાલતમાં કેતને દશ સિવસ કાઢ્યાં. ત્યારે બહાર સોફા પર બેસી રહેતી કંઇ કેટલીયે મોત મરીતી. મ્રુત્યુંજયનાં પાઠ કરતી દિવાલોને તાંકી રહેતી. એ બિહામણા દિવસો. ... બારીની બહાર દરિયાને જોતી નીરૂની આંખે ઝળહળિયાં આવી ગયા.  ટ્યુમર કેન્સર નું  નથી એવો રિપોર્ટ જ્યારે ડોક્ટરે આપ્યો ત્યારે નીરૂનાં આખાયે શરીરમાં ફૂલ જેવી હળવાશ ફરી વળી હતી..પ્રભુનો પાડ માનતી નીરૂની આંખો બંધ થઈ ગઈ હતી. ધીરે ધીરે ઘાની રૂઝ આવતા કેતનનાં બધા જ અંગઉપાંગ પાછા સારી રીતે કામ કરતા થઈ જશે, એ ડોઅલટરે ભાર પુર્વક જણાવ્યું હતું. ધનુષની પણછ જેવું નીરૂનું આટલા દિવસથી અકડાઇ ગયેલું શરીર હલ્કું ફૂલ જેવું થયું હતું .પછી તો નીરૂ બમણા ઉત્સાહથી કેતનની સારવારમાં લાગી ગઈ હતી. કેતનનો હાથ હાથમાં લઈને એની સાથે વાતો કરતી. ફિઝીયોથેરીપીસ્ટની બતાવેલી કસરતો કરવામાં કેતનને પ્રોત્સાહન આપતી.. કેતન ગુસ્સે થતો , કંટાળતો તોય એ મંડેલી રહેતી. ધીરે ધીરે કેતનને કોરીડોરમાં ચલાવતી. નાના બાળકની જેમ કેતનને ટાઇમ ટુ ટાઇમ ખવડાવતી અને જ્યારે બે દિવસ પહેલા ડોકટરે જણાવ્યું કે હવે એક બે દિવસમાં તેઓ ઘરે જઈ શકે છે. ત્યારે નીરૂની ખૂશીનો પાર નહોતો. કેતનને ધીરે ધીરે ચલાવીને એણે બારી પાસે બેસાડ્યો હતો. એની કમ્મર પર હાથ રાખીને બેઠેલો કેતન અને એ બન્ને દરિયાને ચૂપચાપ તાંકતા રહ્યાતા.
પણ ગઈ કાલે ..છેલ્લી વિઝીટે આવેલા ડોકટરને કેતને પ્રશ્ન કર્યો. ડોકટર સાહેબ હું ઓફિસે ક્યારથી જઈ શકીશ? જાણે આકાશમાં ઊડતા પંખીને તીર વાગતા એક તરફડાવ થાય એમ નીરૂનું મન તરફડી ઉઠ્યું. અને કોણ જાણે કેમ હોસ્પિટલથી ઘરે જવાનો ઉત્સાહ ઓસરી ગયો.. અત્યારે બારી પર ઉભેલી નીરૂ દૂર ભેખડ પર બેસેલા એકલાપક્ષીને જોઇ રહી હતી. 
                                                               

શ્રીમતી પ્રેરણા લીમડી


Saturday 29 October 2011

વગડાનું ફૂલ.

પ્રભાત થતા જ સુરજદાદાએ ઉગમણી દિશાએ થી હોંકારો દીધો. રૂપાવટી અંતરીયાળ ગામડું, ગણી શકાય તેટલાં ખોરડાં, દૂર દૂર ખેતરો, હાટને નામે બે ત્રણ દુકાનો, વસ્તીમાં કાઠી ને બીજાં કેટલાક વરણની વસ્તી,પણ ખરી જો કે કહેવું પડે આ ગામ ગોકળીયું , ત્યાં સંપ પણ એવો એકબીજાના સુખ દુખમાં આખું ગામ હ્રદય દઈને બેઠુ થઇ જાય..
ગામની વચ્ચોવચ કોઇ જોગી જોગંદરની જેમ અડી ખમ ઉભો છે પીપળો, એને માથેથીકંઇ કેટલાયે ચોમાસાં ગયાં, આજે રૂપાવટીની ખુશીમાં એનાં પાંદડા એ જાણે હરખથી ડોલી ઉઠ્યાં હતાં,રૂપાવટી આજે હિલોળે ચડ્યું હતું.આખાય ગામને ધજા પતાકાથી શણગાર્યું હતુ . ગામને તાલુકેથી ઉજવણીની તૈયારીઓ થઈ હતી.
કરસન અને જીવીની દીકરી રામી ગાવામાં પહેલે નંબરે આવી તેનો મેળાવડો હતો..
ત્યાં તો ગામમાં ધૂળ ઉડાવતી ગાડી આવી, મહેમાન સૌ વખતસર આવે ગયાં હતા. શાળાનાં આચાર્ય ,સરપંચ ને મહેમાનો ખુરશીમાં બેઠા બાકી બીજા બધાં જાજમ પર બેસી ગયાં. મુખ્ય મહેમાને રામી ઉર્ફે રમીલાને અભિનંદન આપ્યાં.,સરપંચે રામીને ગામની દિવડી કહીને ઇનામ આપ્યું. બધાને હાર તોરા કર્યા. ગામની શાળાને સાત ધોરણથી
 આગળ મેટ્રીક સુધી કરવા માટે ઘણું દાન મુખ્ય અતિથીએ આપ્યું . સરપંચે બનતા પ્રયત્ન કરવાનું વચન આપ્યું ..
 રામીનું હૈયુ આજે ફાટ ફાટ થતું હતું.માવતરની આજે ભીડ ભાંગશે.કિશન અત્યારે ક્યાંથી આવી ગયો ને મોઢું લાલચોળ થઈ ગયું..ચ મહિનામાં તો એની દુનિયા બદલાઇ ગઈ ગામને ચોરે ગુરુ પૂર્ણિમાનાં દિવસે આભમાં ચાંદલીયો મરક મરક હસતો હતો ને ચાંદની રેલાવતો હતો તે ઘડીએ સરપંચ બાપુએ કીધું " ગગી ઓલ્યું ગુરુજી વાળુ ભજન ગા" ને રાખી એ મીઠી હલકે "ઉંચી મેડી તે મારા સંતની રે" એ ભજન ગાયું . ચાંદનીમા તરબોળ થયેલા ગામવાસીઓએ ભજનનો ભક્તિરસ પણ ખોબલે ખોબલે પીધો.
 માતાની પાસેથી ભજનનો વારસો રામીને સાવ સહજ મળેલો તેનાં ગળાંમાં જાણે કોયલડી એ માળો બાંધ્યો હોય તેવો એનો અવાજ મીઠો . નવરાત્રિમાં તે ગરબો ગાતી ત્યારે જુવાનિયાં સાથે ઘરડાને મોઢેથી પણ
વાહ નીકળી જતી..રામી એટલે વગડાનું ફૂલ કે જે કુદરતનાં ખોળે કોઇપણ પ્રયાસ વગર ખીલ્યું હતુ..
મનુભાઈ બારોટ જે કામ માટે આ ગામે આવ્યાં હતા તેમને ફેરો સફળ થતો લાગ્યો. મનુભાઈ એ સરપંચ બાપુને રામી માટે ભલામણ કરી.
બીજે દિવસે સરપંચ , મનુભાઈ બારોટ ને મણીબેન ગણાત્રા કરસનનાં ઘરે ગયાં.
 કરસને અંતરનાં ઉમળકાથી મહેમાનને આવકાર્યા. ફળીમાં ખાટલો ઢાળી તેનાં પર ગોદડું પાથરી મહેમાનને બેસાડ્યાં. જીવી પાણી નો કળશ્યો ભરી લાવી. ને એક બાજુ ઉભી રહી .સરપંચ કરસનને સમજાવતાં કહ્યું "તારી દીકરી રામીનો કંઠ મીઠો છે તે એને ભજનું ,ગીતું, ગરબા ગાવા હાટુ શહેરમાં જવાની રજા દ્યો આ બેન કે છે કે રામી મા ભગવતીનો અવતાર છે આપણાં ગામનું નામ થાશે. કરસન મૂંઝાતો ના બાપ આપણી શાળાનાં ગોમતીબેન રામીની હાર્યે જશે વચાર ક્રીને પછી હા ભણજો..
" બાપુ ચા લાવી છું " રામી એ કળશ્યો મૂક્યો. "મેમાન ને દે" રામી એ મહેમાનને ચા પાયો. "લ્યો રામ રામ" બધાય ઉભા થયાં.
ફળીયાની  વાડ પર ચડતી ખીસકોલીને રામી જોઇ રહી તે કુદાકુદ કરતી ઘડીકમાં વાડ પર ચડતી તો ઘડીકમાં નીચે ઉતરી આમ તેમ જોતી. રામીનું મન પણ તો આ ખીસકોલીની જેમ જ કુદાકુદ કરતુ હતુ. કરસનને જીવી અંદરનાં ઓરડે ક્યાંય સુધી મુંગા મુંગા બેસી રહ્યા. ખેતીમાં વરસ નબળું જતા માથે દેવું ને ઘરમાં ગરીબી આંટા દેતીતી. દીકરીને સાસરે વળાવાની વાત યાદ આવતા મનનો મુંઝારો આંખેથી બહાર નીકળ્યોં..
જીવીએ પતિના આંસું પાલવથી લુછ્યાં .તેની સામે જોતા બોલી " ઇ ને જવાની રજા દ્યો રામીનાં બાપુ" પોતાની ઘરવાળી સામે કરસન ટગર ટગર જોઇ રહ્યોં.
કાળનાં ગર્ભમાં શું હતુ તેકોણ જાણે?
રામીને છેવટે જવા માટે રાજી કરી લીધી.. તદ્દન અજાણી દુનિયામાં જતા તે ગભરાતી હતી. મા એ હૈયાધારણ આપી."ગગી ભગવાનનું નામ લઈને મન મુકીને ગાજે.જીતવા હાટુ નહી પણ પરભુને રાજી કરવા ગાજે દીકરી મા ભગવતી તારું કલ્યાણ કરશે"
માવતર ને વડિલોનાં આશીષ પાલવમાં બાંધીને રામી શહેરમાં આવી. આ દુનિયા તેના માટે તદ્દન નવી હતી. તે દરેક ચીજને અજબ હેરતથી જોઇ રહેતી હતી. મણીબેન અને ગોમતીબેન તેને પ્રોત્સાહન આપીને તૈયાર કરતાં હતાં.તેના જેવા પંદર સ્પર્ધકો જુદાં જુદાં ગામડે થી આવ્યા હતાં. તે બધાયને મળી તેને હાશ થઈ.
સાત ધોરણ સુધી ભણેલી રામી નવું નવું જાણવા ને શીખવા માટે પોતાનો ઉત્સાહ બતાવતી. કોઇપણ ગીત સાવ સહજતાથી તે ગાઇ બતાવતી હતી. ગુજ્રાતનાં કાર્યક્રમ નાં ખાસ ભાગ રૂપે " હાલો લોકો સુર સંગીતને મેળે" નામની તદ્દન અનોખી સ્પર્ધા યોજાઇ હતી. રૂપાવટીમાં ફક્ત સરપંચનાં ઘરમાં જ ટી.વી હતુ. તેમણે ટી.વી બહાર મૂકી દીધું. રામીન ટી.વી ને પડદે જોઇ ગામલોકોએ ગોકીરો મચાવ્યોં. " હાલો લોક સંગીતને મેળે" કાર્યક્રમ શરૂ થયો. આપણાં પરંપરાગત લોકગીતો, સંતો ને કવિઓ ધ્વારા રચાયેલ અલભ્ય રચનાઓ બધાએ ઘેર બેઠા માણી.
લોકસુર સંગીતની યાત્રામાં લગ્નગીતો,ગરબા,ભજન જેવાં સાહિત્યનાં પ્રાચીન વારસાને માણતાં અબાલ વ્રુધ્ધો હરખાઈ ઉઠ્યાં.
શહેરની યુવા પેઢી જેનાથી વંચિત હતી તેવો આપણી સંસ્ક્રુતિનાં જતન કરીને જાળવી રાખેલો આ વારસો પંદર કિશોર કિશોરિઓ એ લોક ચરણે ધરીને આ કાર્યક્રમ્ને અતિ લોકપ્રિય બનાવી દીધો. અને પાછુ ત્યાં જનતાની દખલગીરી ન હોવાથી આ કાર્યક્રમને ખાલી માણવાનો જ હતો. તે આ સ્પર્ધાનીએ ખૂબી હતી. હારજીતની પરવા કર્યા વગર આ બધાં સ્પર્ધકો પોતાના તરફથી સૂર સંગીતનો એવો માહોલ ઉભો કરતાં કે દર્શકોને સમય ઓછો લાગતો .
સ્પર્ધાનાં અંતિમ તબક્કા સૂધી રામી ઉર્ફે રમીલા ચાહકોનાં હ્રદયમાં પોતાનું સ્થાન નિશ્ચિંત કરી ચુકી હતી." મારે ટોડલે બેઠો મોર કાં બોલે" કે પછી લગ્નગીત "સીતાને તોરણ રામ પધાર્યાં. " કે  ગરબો " તુ કાળી ને કલ્યાણી રે માજ્યાં જૌ ત્યાં જોગમાયા" આ અને ગીતો વડે રમીલા ઘેર ઘેર જાણીતી થઈ ગઈ.
તાળીઓનાં ગડગડાટથી રામી હસી અને વિચારી રહી કે હુ એ મુઇ કેવા વિચારે ચડી ગઈ ..રામી જોતી હતી કે એનાં સાસરાનાં ગામથી માધવપૂરથી કોઇ ન દેખાણુ.એની સખી લાડકુંવર પણ પૂછતી હતી ત્યારે રામી એ કહ્યું " મને એ નથી ખબર" રામીએ પોતાનાં ખોરડે જવા પગ ઉપાડ્યાં
" મા બાપુ , આપણું ખેતર છોડાવી લ્યો હવે"
" ના ગગી તારા પૈસા અમારે શા કામનાં?" " હવે કાંઇ બોલો તો તમને મારા ગળાનાં હમ બાપુ , આટલુ વેણ રાખી લ્યો. "
કરસન રામીને ભેટી પડ્યો. બંનેની આંખો છલકાઇ  "દીકરી , તે તો આજ દીકરાનું હાટુ વાળ્યું"
" મા, હું તમારો દીકરો જ છુ ને"
ખોરડામાં સોપો પડી ગયો.
" રામીનાં બાપુ તમે હવે રામી ને હકીકત કહી જ દ્યો" જીવી જાણે માંડ માંડ બોલી . એની આંખોમાં આજીજી ડોકાતી હતી.
"ના રામીની મા ના મારામાં હામ નથી"
રામી બંનેને અચરજ થી જોઇ રહી.
"હુ વાત છે બાપુ ? "
"દીકરી તારા જવાને બીજે દિ વેવાઇ સગપણ તોડી ગયા હતા" કરસન ઝડપથી ફળીયામાં ચાલ્યો.
રામી સમજી ગઈ કે તે શહેરમાં ગઈ તેથી આ બન્યું . હવે સમજાયું કે  તેનાં સાસરેથી કેમ કોઇ ના આવ્યું ..
જીવીએ દીકરીને છાતી સરસી ચાંપી આંખમાંથી આંસુની ધાર નીકળી પડી. ભ્રાયેલ કંઠે તેણે કહ્યું " ગગી મનમાં સહેજે હીજરાતી નો. હું બાર વરહની બેઠી છઉં.
રાતનાં રામી ક્યાંય સુધી પડખા ફેરવતી રહી.મેળામાં બંગડી અપાવતો કિશન દેખાયો. .તેની સાથે મેળામાં કેવી મજા કરી હતી. કિસનની યાદો તેને સુવા નહોતી દેતી. થોડા જ વખતમાં પાછુ બધુ બદલાઇ ગયું.
આ બાજુ કરસન વિ્ચારતો હતો કે શા માટે દીકરીનાં પૈસા લઉ છુ. અરેરે જીવતર બગડશે મારુ.. આ સાલ સારુ જાય તો બધુ બરાબર થઈ જાય . જીવીને સમજાતુ નહોતું કે તેથી દીકરીનાં ભાગ્યમાં શું છે? કિશન જોડે એનો મનમેળ હતો એ જીવીને ખબર હતી.
દિવસ ઉગતાં સૌ પોતપોતાને કામે વળગ્યાં  કરસન ખેતરે જવા માટે ઘરની બહાર નીકળતો જ હતો ત્યાં તો સામેથી વેવાઇને જોયાં. કરસનને જાણે શબ્દો સાથ નહોતા આપતા. "આવો " જીવીએ ફળિયાંમાં ખાટલો ઢાળ્યો . કળ્શ્યો મૂકી લાજ કાઢીને ઓસરીનો થાંભલો પકડી ઉભી રહી. ત્યાં વેવાઇ હરખથી બોલ્યા
"વેવાઇ ઓલી વાત ભૂલી જજો, મારી વહુ તો લખમીનો અવતાર છે આટલું મોટું ઇનામ જીત્યું. અમારાં ગામમાં તો બધા કહે છે કે વહું તો સુંડલો ભરીને રૂપીયા લાવશે ઝ્ટ લગન જોવરાવો હવે મોડું નથ કરવું."
કરસન કંઇ બોલે તે પહેલાં અંદરના ઓરડેથી લાજ કાઢીને આવેલી રામી બોલી" ના બાપુ હવે એ ના બને" એટલા વેણ કાઢીને ઓરડે થી પાછી વળી ગઈ .
ઓરડાની બારીમાં થી એક લીલું પતંગીયુ  તેની નજીકથી ઉડી ગયું. રામી એ પતંગીયાને જોતી રહી..એનુ હ્રદય એને હળવું લાગતુ હતુ..

Friday 28 October 2011

અસ્તિત્વનો અર્થ

એમણે ધીમે ધીમે વ્હીલચેર બારીને નજીક ઘસડી.સામેની ફૂટપાથ નજીકના ગુલમહોર વૈભવ કોઇ રાજા _મહારાજાના સામ્રાજ્યની જેમ ફાલ્યો હતો, એનાં કેસરી ફૂલોની દાદાગીરી એટલી વધી ગઈ હતી કે , લીલા પાંદડાઓ તો બિચારાં ક્યાંય છુપાઇ ગયા હતાં. એના થડ પર ઉપરથી નીચે ને નીચેથી ઉપર ચ્ઢ -ઉતર કરવાની કસરત ખિસકોલીબઈ એટલી ગંભીરતાપુરવક કરી રહ્યાં હતાં કે જાણે એને સ્લીમ એન્ડ ત્રીમ બની જવું હોય! બસ, હવે તો આ બારીમાંથી જેટલું દ્રષ્ટિગોચર થાય, એટલું જ એમનું વિશ્વ.એટલે જ તો આ બારી એમેને આત્મીય લાગતી હતી . આખો વખત કપડાંનો કટકો લઈને એ બારીના સળિયા લૂછ્યા કરતાં, એમને ક્યાં બીજું કશું કામ હતું? એમની ગતિહીન જિંદગીમાં બસ , સમય જ સમય હતો. પહેલાં ઘડિયાળને કાંટે પોતે દોડતાં, હવે ઘડિયાળના કાંટાને દોડતા જોઇને બેઠાં બેઠાં પણ હાંફ ચઢી જાય છે.
           આવી અર્થ વિનાની જિંદગી જીવવાનું પોતાને ભાગે આવશે એવું કદી સ્વપ્નેય ક્યાં વિચાર્યું હતું! એમને માટે તો  પ્રવ્રુતિમય રહેવું એ જ જીવન હતું. લગ્ન કરીને આ ઘરમાં આવ્યાં ત્યારે ઉંમર હશે ઓગણીસ-વીસ વર્ષની . પિતાજી સુધારક વિચાર ધરાવત એટલે એ જમાનામાં પણ પોતે બી-એસ-સી સુધી ભણીને ગ્રેજ્યુએટ થઈ શકેલાં . એમ તો એમને જીવનસાથે ય કંઇ કમ નહોતો મળ્યો! શાંતિભાઇની વકીલાતની પ્રેકટીસ ધીકતી ચાલતી હતી. પરણ્યાની પહેલી જ રાતે માલતીબેને સંસારની જવાબદારીઓ ઉઠાવવામાં પોતે પ્તિને પડખે ઊભા રહેશે અને એમાં કોઇ કચવાટ ને અવકાશ નહીં રહે એમ હસતે મોંએ
સ્વીકારીને શાંતિભાઈનું દિલ જીતી લીધું હતું.
        ડોરબેલ ક્યારની રણક્તી હતી પણ માલતીબેન તો સુખદ સ્મ્રુતિઓનું ગોદડું ઓઢીને હુંફ મેળવી રહ્યાં હતાં. એ ગોદડું ખસેડતાં એમમે તકલીફ તો પડી, થોડો ગુસ્સો પણ આવ્યો, કોણ ટપકી પડ્યું અત્યારે? સુષ્મા તો ગુડ્ડીને લઈને બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી. રાકેશ પણ ઓફિસથી સીધો ત્યાં જવાનો હતો. એમને આવતાં તો ઘણું મોડું થઈ જશે . વળી એ લોકો પાસે તો લોકની ચાવી પણ હોય જ.. ત્યાં તો ઉપરા-છાપરી બેલ વાગી "આ કોણ નાનાં છોકરાની જેમ બેલ વગાડે છે?" એમ બબડતાં એમણે બારણું ખોલ્યું,સામે ઊભી હતી મજાની, મીઠડી, ગોળ - મટોળ પીંકી. સામેના ફ્લેટ્માં રહેતાં આભા અને અલોકની દીકરી પીંકીને જોતા જ એમનું મન ઉછળી પડ્યું, હાશ! એકલતાના ગઢમાં છીંડું પાડનારું કોઇ તો મળ્યું! ઘડી પહેલાં આવેલો ગુસ્સો મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો.
              "આવ , પીંકી, અંદર આવ બેટા!" પીંકીને અંદર લઈ એમણે બારણું બંધ કર્યું
 "દાદીમા , તમે એકલાં જ છો ?ગુડ્ડી નથી ઘરમાં?"
   ચમકતી, લખોટી જેવી આંખો આખા ઘરમાં ફેરવતાં સાથે લાવેલી ચોપડીઓ બાજુ પર મૂકીને પીંકીએ સોફા પર જમાવ્યું..
"ના એ બર્થડે પાર્ટીમાં ગઈ છે મોડી આવશે"
માલતીબેનનો જવાબ સાંભળતાં જ પીંકી ચિંતામાં પડી ગઇ.
"હાય હાય હવે શું થશે સાસીમા, કાલે હોમવર્ક કરીને નહીં જાઉં તો ટીચર મને પસીશ કરશે. અમારે ઘરે ગેસ્ટ આવવાના છે ને એટલે મમ્મીને તો જરા પણ ટાઇમ નથી. મમ્મી મને કહે કે ગુડ્ડી ત્યુશન ટીચર પાસે સમ્સ સીખી આવી છે . એની બુકમાંથી હમણા કોપી કરી આવ, પછી મને જ્યારે ટાઇમ મળશે ત્યારે તને શીખવીશ . પણ ગુડ્ડી તો નથી, માય ગોડ , હવે શું કરું?
 પીંકીનાં હાવ ભાવ અને બોલવાની છટા જોઇને માલતીબેનને હસવું આવી ગયું.
"લાવ જોઉં, મને બતાવ તારા સમ્સ, મને આવડતા હશે તો હું તને કરાવીશ"
અવિશ્વાસની નજરે પીંકી એમની સામે જોઇ રહી.
'આ તો ઇગ્લીશમાં છે દાદીમા, એ કંઇ તમને થોડું આવડે ?'
આવડી અમસ્તી પીંકીએ ય એમની શકતિમાં અશ્રધ્ધા દાખવી તેથી એક ક્ષણ પૂરતું માલતીબેનને ઓછું આવી ગયું, પણ તરત એ હસી પડ્યાં . એમાં એનો બિચારીનો શું વાંક? એમ તો સુષ્માને પણ મારી આવડત પર ભરોસો નથી તેથી જ તો ગુડ્ડી ને ટ્યુશને મોકલે છે. વળી કહે છે પણ ખરી,
"બા, તમારાને હવેના એજ્યુકેશનમાં આસમાન-જમીનનો ફરક , હવેની મેઠડ પણ બધી જુદી હોય. નકામી તમારે માથાકૂટ કરવી એના કરતાં એ ટ્યુશને જાય એ સારું. તમ તમારે આરામ કરોને!"
આમ તો સુષમા સામે માલતીબેનને કોઇ ફરિયાદ નથી. સમ્જુ,સુશીલ અને ખાનદાન ઘરની દીકરી પોતાની ગ્રુહલક્ષ્મી બનીને આવી છે એ વાતનું તો એમને ગૌરવ છે.આ અપંગ સ્થિતિ હોવા છતાં માલતીબેનેનું સ્વમાન અકબંધ રહે એ રીતે એમની નાનામાં નાની વાતની કાળજી લે છે.કોઇ વાતે લાચારી ન લાગે , જરાય માન ભંગ ન થાય એમ સુષ્મા એમની તમામ સગવડ સાચવે છે. કશે ય બહાર જવાનું થાય તો ય એમની જરુરીયાતની દરેક ચીજ યાદ કરી કરીને એવી રીતે ગોઠવીને મૂકી જાય કે એમને તકલીફ ન પડે.
 આ બધું હોવા છતાં એમને સુષ્માની એક જ વાત ખટકતી તે એમની શક્તિ પરનો સુષમાનો અવિશ્વાસ, વ્હીલચેર પર બેઠાં બેઠાં આપવા કહે કે તરત જ એ બોલે ,
"અરે બા, ચાર જણાંની રોટલી કરતાં વાર કેટલી ? હું હમણાં ઝપાટામાં કરી નાખીશ.કોઇ વાર શાક સમારી આપવાનું કહે તો સુષમા હસીને વાત ઉડાવી દે,
"કોઇ આવીને જોશે તો કહેશી કે, વહુ તો સાસુ પાસે કામ કરાવે છે અને શાક સમારતા ચપ્પુ વાગી ગયું તો રાકેશ તો મારો ઉધડો લઈ લાખે , બા, અમારા જેવા ને આરામ કરવો છે તો કરવા મળતો નથી અને તમને કહીયે છે તો તમારે આરામ કરવો નથી"
 આ એક આરામ કરવાની વાત એમને સતત પરવશતાની યાદ અપાવ્યા કરતી હતી. મા સમાન સાસુની નાનામાં નાની જરુરિયાત જાણી જતી સુષમા માલતીબેનને શારડીની માફક વીંધી નાખતી પીડા કદી જાણી નથી શકી.
 પાછા એમણે પીંકી તરફ ધ્યાન આપ્યું અને કહ્યું " લાવ, પીંકી, તારી બુક આપ તો! મારાથી થાય એટલા સમ્સ કરી આપું, કાલે તારા ટીચરને બતાવજે. સાચા હશે તો હું તને એની મેથડ શીખવીશ"
 દાદીમાને સમ્સ આવડશે એવી તો પીંકીને ખાતરી હતી જ નહીં પણ ડૂબતો તરણું પકડે એ રીતે નછૂટકે એણે પોતાની બુક આપી. માલતીનેને બુક ખોલી ત્યાં તો જાણે "સીમ સીમ ખુલ જા" કહેતાં ગૂફાનું ધ્વાર ખુલી ગયું હોય એમ એમનું મનગમતું વિશ્વ ખુલી ગયું, અરે આ બધું તો પોતાને આવડે છે . આટલા વર્ષો પછી પણ જરા ય નથી ભૂલ્યાં. પીંકીએ બતાવેલા દાખલા ફટાફટ કરી આપી એમણે પીંકીને કહ્યુ
 "જો આ સમ્સ તારી ફેર બુકમાં કોપી કરીને તારા ટીચરને બતાવજે , સાચા પડે છે કે નહીં એ મને કાલે જરૂર કહી જજે હં!"
પીંકી ખુશ થતી"ગુડનાઈત દાદીમા" કહી ચાલી ગઇ.
 કોલેજમાં ભણતા ત્યારે ગણિત તો ખાસ એમની પસંદગીનો વિષય હતો. પીંકીને કરી આપ્યાં એવા દાખલા તો આવડે જ ને વળી, એમાં શી ધાડ મારવાની ? છતાં આવતી કાલે જાણે પોતાની પરીક્ષાનું પરિણામ આવવાનું હોય એમ છાતી ધડકવા લાગી. આમ તો ભણતરમાં કે પછી રાસ ગરબા કે નાટક કે વ્ક્ત્રુત્વ સ્પર્ધા જેવી કોઇપણ પ્રવ્રુતિમાં પોતે હંમેશા ઇનામને પાત્ર ઠર્યા હતાં. પણ પછી તો લગ્ન અને એની સાથે આવેલી જવાબદારીઓએ એમનાં જીવનનાં ઘણાં વર્ષો પોતાનાં હાથમાં લઈ લીધા હતાં. બિમાર સાસુ -સસરાની સાર સંભાળ , નણંદ-દિયરનાં લગ્ન, રાકેશ અને નંદિની નો જન્મ આમ એક પછી એક ઘટના આકાર લેતી ગઈ.અને માલતીબેને આદર્શ ગ્રુહિણી બનીને બધાં કર્તવ્ય નિભાવે ગયાં. એટલે રાકેસ અને નંદિનીનાં લગ્ન પતાવીને જાણે બધી સાંસારિક ફરજોમાં થી મુક્ત થયાં હોય એવું એમને લાગ્યું હતું.
અવકાશ મળતાં જ એમણે કંઇ ને કંઇ સેવાકિય અને સંસ્થાકીય કામોની શરૂઆત કરી, વિધવા,ત્યકતા, નિરાધાર બહેનોને સીવણ-ભ્રત શીખવવું. દર્દીઓને દવા ફળ-ફળાદિ પહોંચાડવા, કોઇકને લોન તો કોઇકને નોકરી અપાવવી. .આવા કામોમાં એમની ઝીણવટભરી દ્ર્ષ્ટિ અને સુઝબુઝ ખૂબ ઉપયોગી થતાં, લોકો ખૂબ આદરથી એમને જોતાં. સંસ્થાઓઅના વાર્ષિક મેળાવડા હોય, જ્ઞાતિ કે સમાજનો મનોરંજન કાર્યકમ હોય ત્યારે એ સોળે કળાયે ખીલી ઊઠતાં, એમાંય સુષમાની કુખે જ્યારે ગુડ્ડી નો જન્મ થયો ત્યારે તો એમના અને શાંતિભાઈનાં જીવનમાં જાણે આનંદની અવધિ આવી ગઈ. શાંતિ વારંવાર કહેતા" બસ આનાથી વધારે શું જોઇયે? હવે તો ગમે તે ઘડીએ ઉપરવાળાનું તેશું આવે તો પણ તૈયાર જ બેઠો છું" માલતીબેન નારાજ થઈને કહેતા "આવુણ આવું શું બોલ્યા કરતા હશો ?"
પણ શાંતિભાઇ જે બોલતા એ કરી બતાવ્યું .ફક્ત અડધા કલાકનાં છાતીમાં દુઃખાવામાં"હાર્ટ-ફેઇલ" નું સર્તિફિકેટ મેળવી તેઓ ચાલતા થયાં..પછી જાણે માલતીબેનની જિંદગી નિરસ થઈ ગઈ..ઇસ્ત્રી ટાઇટ સાડલો પહેરી ને જ ઘરની બહાર પગ મૂકનારાં માલતીબેન ગાભા જેવો સાડલો શરીરે વીંટી દેતા. એમનું બોલવું, ચાલવું,હસવું બધું સાવ બંધ થઈ ગયું હતું. સૌ કોઇ સમજાવતાં. જનારની પાછળ કંઇ જીવ થોડો કાઢી નખાય છે? જીવ તો ન કાઢી શકાયો પણ માલતીબેને ચેતન કાઢીને બતાવ્યું . પેરેલીસીસનાં એટેકમાં કમરથી નીચેનું અડધુ અંગ જડ થઈ ગયું.શરીરની સાથે જ એમની શસમસતી ભાગતી જિંદગીને પણ લકવો લાગી ગયો. "મારી આ દશા ?" મારે વી પરવશ જિંદગી જીવવાની? " આ એક નો એક વિચાર એમને કોરી ખાઓ હતો. આજ સુધી હું કેટકેટલાને મદદરુપ બની ને હવે મારે જ બીજાને આધારે જીવવાનો વારો આવ્યો. આ ખટકો એમનાં મનમાંથી નીકળતો નહોતો..
 અતીતની ગલીઓમાં ઘૂમતાં ક્યારે અડધી રાત થઈ ગઈ અને રાકેશ -સુષમા ઉંઘતી ગુડ્ડીને લઈને , લોક ખોલી ક્યારે ઘરમાં આવી ગયાં એ ખબર જ ન પડી. હજી સુધી એમને જાગતાં જો રાકેશને ચિંતા થઈ,
"કેમ બા, હજી જાગો છો? તબિયત તો બરાબર છે ને ?"
માલતીબેને હસીને કહ્યું
"બધું બરાબર છે , આ તો ટી.વી પર જૂની ફિલ્મ આવતી હતી એ જોતાં મોડું થઈ ગયું. જાવ જાવ બેટા શાંતિથી સુઇ જાવ"
સવારના ચા નાસ્તો કરતાં કરતા રાકેશ-સુષમા સાથે ગઇકાલની પાર્ટીની વાતો ચાલી કોણ કોણ આવ્યું હતું. શું શું ખાધુ-પીધુ, બાળકો કઈ રમતો રમ્યાં એ બધું માલતીબેને રસથી સાંભ્ળ્યું .અચાનક સુષમાને યાદ આવ્યું "બા, મારી બહેનપણી દિપ્તી પણ પાર્ટીમાં મળી ગઈ એણે કહ્યું કે એ હમણાં શાસ્ત્રીય સંગીત શીખે છે. લગ્ન પહેલાં હું પણ શીખતી હતી મારું તો અધૂરુ રહી ગયું .તમને અગવડ ન પડે તો હું શીખવાનું શરૂ કરુ? ગુડ્ડીનાં ટ્યુશનનાં ટાઇમે જ જવાનું હશે . જો તમે કહેતા હો તો..."
 એને વચ્ચેથી જ અટકાવીને માલતીનેને કહ્યું,
  "તારી વાત સાંભળીને હું કેટલી ખુશ થઈ છું, જાણે છે સુષમા? તમાર હરવા ફરવાના, મજા કરવાના દિવસોની મારી માંદગીને ખાતર આહિતિ આપો એ મને જરાય ન ગમે, તું કામ કરતાં કરતાં ગણગણતી હોય ત્યારે હંમેશા હું શ્રોતા બનીને સાંભળ્યા કરતી હોઉં છું..આટલું સરસ ગાતાં આવડતું હોય તો શીખીને આગળ વધવું જ જોઇયે, તું આજથી જ ક્લાસમાં જવાનું શરૂ કરી દે, મારી જરા પણ ફિકર ન કરીશ"
સુષ્મા આ સમજુ સ્ત્રીને મનોમન વંદન કરી રહી. બપોરે સાસુ- વહુ એ ચા પીધી. ગુડ્ડીને ટ્યુશને મોકલીને તરત સુષમા ક્લાસમાં જવા નીકળી. બસ હવે બે ત્રણ કલાક સાવ એકલાં. એકાદ મનગમતું પુસ્તક લઈને સમય પસાર કરવાનો માલતીબેન વિચાર કરે ત્યાંતો ડોરબેલ વાગી. બારણું ખોલ્યું તો સામે મરક મરક હસતી પીંકી. આજે તો સાથે મમ્મી અભા પણ હતી. બારણું ખોલતા જ પીંકી એમને ગળે વળગી પડી.
"દાદીમા, યુ આર ગ્રેટ. તમે કરાવેલા બધા સમ્સ રાઈટ પડ્યા ને મારી ક્લાસબુક વર્ક માં મને વેરી ગુડ મળ્યું. માલતીબેનની આંખોમાં ઝળઝલિયાં ભરાઈ આવ્યાં. પીંકીની નોટમાં લાલ અક્ષરે લખાયેલા"વેરી ગુડ" તરફ તેઓ એકીટસે જોઇ રહ્યાં. આ એક "વેરી ગુડ " આગળ આજ સુધી મળેલાં તમામ માન- અકરામ એમને ઝાંખા લાગ્યાં..આભાએ કહ્યુ" બા , પીંકીએ સ્કુલમાંથી આવીને વાત કરી ત્યારે મને ખરેખર નવાઇ લાગી હવે તો પીંકી જીદ લઈને બેઠી છે કે ,હું તો દાદીમા પાસે સમ્સ શીખવા જૈશ, મેં ઘણું સમજાવી કે , દાદીમાને હેરાન ન કરાય પણ એ તો માનતી જ નથી..
રુંધાઈ ગયેલા ગળાને સાફ કરતાં અને ચશ્માનાં કાચ લૂછતાં માલતીબેન ધીમેથી બોલ્યાં, "આભા, તને તો કલ્પના જ નહીં આવે કે મને આજે કેટલો આનંદ થયો છે , રાકેશનાં બાપુજીના ગયા પછી હું ખુશીની લાગણી અનુભવવવાનું જ ભૂલી ગઈ હતી, આજે ફરીથી હૈયું સાચા અર્થમાં ધબકતું થયું છે. તું જરાય સંકોચ વિના પીંકીને મોકલજે, મને ગમશે."
 એમનો આભાર માનતી આભા પીંકીને એમની પાસે મૂકી ગઈ. કલાકેક પીંકીને ભણાવ્યાં પછી એમને થાક લાગ્યોં, પીંકીનાં ગયા પછી ધીમે ધીમે વ્હીલચેર ખસેડતાં એ બારી પાસે પહોચ્યાં. સાંજ પડી ગઊ હતી. માળા ભણી પાછાં ફરતાં પંહીઓને જોઇ એમણે રોમાંચ અનુભવ્યો. સામેના ગુલમહોઅરના થડ પર પોતાનાં કામમાં વ્યસ્ત ખિસકોલીને જોઇ એમને હસવું આવ્યું એમણે મનમાં ને મનમાં કહ્યું "ખિસકોલીબેન, હવે તો હુ ય તમારી જેમ કામમાં બીઝી થઇ જવાની, હવે તો કોઇ પૂછ્શે તો હું પણ કહી શકીશ . અત્યારે મને સમય નથી...


શ્રીમતી આશા વીરેન્દ્ર..(વલસાડ)

Sunday 16 October 2011

નેણલે તેડાવું નીંદરપરીને....

નેણલે તેડાવું નીંદરપરીને....
" જ્યાં માત્રુત્વ છે ત્યાં છે હાલરડું..
હંસા પ્રદીપ
... માતા-બાળક, આ સંબંધ જે એવો છે કે તેને દુનિયાની કોઇ કુટનીતિ ભ્રષ્ટ ન કરી શકે. પોતાનાં કાળજાં ના ટુકડાનું ઊંઘમાં રેલાતું મંદ મંદ સ્મિત કેટલો આનંદ આપે તે માપવા કોઇ યંત્ર ન બની શકે તેમાં પણ બાળકને પોઢાડવાની ક્રિયા હાલરડાંની એક આખેઆખી સંસ્ક્રુતિ ,જેમાં ગાય આવે , દૂધ,ઘી,માખણ, લાડુથી લઈ પરી રાણી આવે. પણ હાઇફાઇ જમાનામાં આ હાલરડાં પણ દુર્લભ થતા ગયાં છે. આપણી મા,દાદી , નાની ગાતા એવા હાલરડાં આવડે હવે ? હાલરડું! દાદી,નાની પાસેથી સાંભળ્યા છે .આજે માતા બનતી દીકરીઓને એવાં હાલરડાં ગાતા આવડે? ન આવડે તો દો. હંસા પ્રદીપ મળવા જેવી વ્યક્તિ છે .વિસ્લ્રુત થઈ રહેલી એ સંસ્ક્રુતિ પર ૩૦૦ પાનાંનો ગ્રંથ પ્રગટ કરનાર, ઇન્દોરમાં જન્મેલા હંસાબેન હાલરડાં વિષે વાત કરતા કહે છે , "માત્રુહ્રદયના વાત્સલ્યમય સહજોદ્ગાર હાલરડાં એ ભાવનાત્મક સુત્ર છે જે માનવીય વિકાસક્રમમાં માતા અને સંતતિને જોડે છે .વિશ્વનાં દરેક ખૂણે, દરેક જાતિમાં માત્રુત્વ છે અને જ્યાં માત્રુત્વ ભાષા છે ,ત્યાં હાલરડાં છે.બાળક પર હાલરડાંના બે પ્રકારનાં પ્રભાવ પડે છે સ્થાયી અને અસ્થાયી, બાળકને નિદ્રાવસ્થા તરફ દોરી જનાર પ્રભાવ અસ્થાયી હોય છે. સ્થાયી પ્રભાવ બાળકમાં સંસ્કારગઠન અથવા ચરિત્રગઠનના રૂપે ફલિત થાય છે"રૂઇયા કોલેજમાં એમ.એ કરતી હતી ત્યારે એક પ્રોફેસરે ટકોર કરીગુજરાતી છોકરીઓ લગ્ન પછી કંઇ કરતી નથી,આ કારણે મનમાં એક ચેલેન્જનો ભાવ ઉત્પન્ન થયો. લોક સાહિત્યમાં હાલરડાંનું સ્થાન છે.લગ્ન કરીને ભાવનગર ગઇ. ૧૯૬૪માં પ્રથમ પુત્ર જલદીપનો જન્મ થયો.તેને ઊંઘાડવા વખતે ફિલ્મીગીતો ગાતી,ત્યારે જૂની ચેલેન્જ પણ યાદ આવી, બાજુમાં જ આવેલી એસ.એન.ડી.ટીકોલેજમાં ગઈ ને હાલરડાં પર પુસ્તક માગ્યું, મને મેઘાણીનું પુસ્તક મળ્યું . મે જયેન્દ્ર ત્રિવેદીને કહ્યું મારે હાલરડા પર પીએચડી કરવું છે. તેઓએ કહ્યું "મુશ્કેલ છે કારણકે હાલરડાં પર તો કોઇ સાહિત્ય જ ઉપલબ્ધ નથી " મેં મહેનત શરુ કરી પણ કાંઇ થયું.બે વર્ષ આમ જ નીકળી ગયા. વિષય સાંભળીને બધાંને નવાઈ લાગતી . દુનિયાભરના અનેક દેશોની 'એમ્બેસી' સાથે પત્રવ્યવહાર કર્યો. યુરોપના વિવિધભાષી લલાબાય (હાલરડાં) મળ્યા. ભારતનાં વિવિધ પ્રદેશોનાં વિવિધ લોકબોલીનીં હાલરડાં પણ ઉપલબ્ધ થયાં, પણ એનાં વિષે કોઇ ખાસ ઉપયોગી લેખિત સામગ્રી ન મળી કે જેના આધારે શોધપ્રબંધ લખી શકાય.તેથી ફિલ્ડવર્ક શરૂ કર્યું . બાળક, ઘર,પરિવારની જવાબદારી હતી જ. ગુજરાત,સુરત,ડાંગ , કચ્છ બધે ફરી. આદિવાસી વિસ્તારમાં તેમનાં નેહડામાં પણ ગઈ .હું તેમની ભાષાન સમજું તેઓ મારી ભાષા ન સમજે . સમજીને નોંધ કરતી ગઈ . મને એક લીટી મળે તોય મારે મન એની કિંમત . સાથે સાથે લાઇબ્રેરીઓમાં જતી.ગુજરાત પછી આંધ્ર ,મધ્ય પ્રદેશ ગઇ. મારા પતિ એક બે મહિના રજા લે.સાથે ફરે,દીકરાને સાચવે. આમ આઠ નવ વર્ષ થયા પછી અમે મુંબઈમાં સેટલ થયા.૧૯૭૩ માં બીજો પુત્ર હિમજલ જન્મ્યો. એ બહુ તોફાની તેથી કામ ઓછું થતું હતું . દિલ્હીનાં ઓલઇન્ડિયા રેડિયોનાં પ્રોડ્યુસર ડો.શ્યામ પરમારે માળવી લોકગીત પર કામ કરેલું તેમણે મને ઇન્ડેકસ બનાવી આપ્યું તેથી કામ આગળ વધારવાનો
સુઝકો પડ્યો .મુંબઈ આવીને જીવનમાં મોટી ઉથલપાથલ થઈ તેથી નોકરી કરવાની જરૂર પડી.મુંબઈ યુનિવર્સિટીના હિન્દીનામ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. પ્રભાત મળ્યાં . મારો ઉત્સાહ વધાર્યો. બરાબર માર્ગદર્શન મળ્યું ને ૨+૧૨ વર્ષોએ૧૯૮૧માં મારો શોધ નિબંધ 'હિન્દી ઔર ગુજરાતી કા લોરી સાહિત્યતુલનાત્મક અધ્યયન' હિન્દીમાં કર્યો. ૧૯૬૬માં આ નિંબધે પુસ્તકાકારેપ્રકાશિત થયો " આટલી બધી જહેમત ઉઠાવીને પીએચડી કરનાર દો.હંસા પ્રદીપે "નેણલે તેડાવું નીંદરપરીને" તેમજ ' હુલુ હુ...લુ... હા..લ..રે' હાલરડાં જેવાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે.
તે ઉપરાંત 'કીડી કાકી' બાળગીતો ને જોડકણાનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે . ભાવનગરમાં અખબારમાં મહિલા વિભાગનું સંપાદન કરતા હતા ત્યાં જ તેંમણે 'સ્વાતિ નારી સંમેલન' ની સંસ્થાની સ્થાપના કરી હતી. એ સંસ્થા મારફત સામાજિક, સાહિત્ય પ્રવ્રુતિ તેઓ કરતા. હજુ પણ એ સંસ્થાકાર્યરત છે . ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સમાં ટ્રસ્ટી છે.;સાર્થક સંવાદ'અને 'લેખિની 'સાથે સંકળાયેલા છે . તાજેતરમાં જ તેમણે 'સાહિત્ય સાનિધ્ય'ની શરુઆત કરી છે .જેના અંતર્ગત મહિને એકવાર મળીને બહેનો સાહિત્યિક પ્રર્વુતિ કરે છે . હંસાબેનના 'નેણલે તેડાવું નીંદરપરી' નેમહારાષ્ટ્ર,ગુજરાતી સાહિત્ય એકેડેમીનું બીજું ઇનામ, કિરણ્દેવી સરાફ ટ્ર્સ્ટ અને આંનદોત્સવ આયોજિત કાવ્ય સ્પર્ધા 'ઇશ્વર ' માટે પણ પુરસ્કાર મળ્યો છે..

Sunday 9 October 2011

"સાહિત્ય સાંનિધ્ય"

સાહિત્ય સાંનિધ્ય" ધ્વારા યોજાયેલી "ટૂંકી વાર્તા લેખન સ્પર્ધા" પુરસ્કાર પ્રદાન પ્રસંગ ૬ઠ્ઠી ઓગસ્ટની બેઠકમાં આનંદ ઉલ્લાસ સાથે સંપન્ન થયો. નિર્ણાયક તરીકે S.N.D.T યુનીવર્સીટીનાં રીડર ડો. માધુરી છેડાએ અને નાણાવટી કોલેજનાં પ્રાધ્યાપક શ્રીમતી અંજના વ્યાસે સેવા આપી. બન્ને નિર્ણાયકોને બધી તેરે તેર વાર્તાઓ ખૂબજ ગમી અને તેમાં હજૂ વધુ નિખાર આવી શકે તે ઉદ્દેશ્યથી દરેક વાર્તાઓ માટે તેઓએ યોગ્ય માર્ગદર્શન અને ઉચુ...ત સુધારાઓ નોંધ્યા. અને ડો. હંસા તેમને વાર્તા પઠન બાદ સમજાવતા ગયાં હતા જેથી પુરસ્કાર નહિ મેળવનારા સ્પર્ધકો પણ જરાય નિરાશ થયા વગર ફરી સુધારા વધારા સાથે લખી લાવવા તત્પરતા દેખાડી હતી.

પ્રથમ પુરસ્કાર.... રૂ. ૭૦૦
"અસ્તિત્વનો અર્થ" શ્રીમતી આશા વીરેન્દ્ર..

દ્વીતીય પુરસ્કાર..રૂ..૬૦૦
૧ ) શ્રીમતી પ્રેરણા લીમડી..."હાંસિયામાં"
૨) શ્રીમતી ગીતા ત્રીવેદી..... "વગડાનું ફૂલ "

ત્ત્રુતીય પુરસ્કાર... રૂ..૨૦૦
શ્રી નીલા સંઘવી" પાનખરમાં પાંગર્યો પ્રેમ"

 પ્રોત્સાહન પુરસ્કાર...રૂ..૧૦૦
શ્રીમતી નીતા કોટેચા... "સ્વાતંત્ર દિન"

ખાસ .. આ સ્પર્ધામાં કેટલાકે તો લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો પણ છતાં પણ વાર્તાઓ સુંદર લખી હતી.નવાં નવાં મુદ્દા અને અર્થ સૂચક શીર્ષકબધાને ગમ્યા આ બધાં પુરસ્કારો ડો. હંસા પ્રદીપ તરફ થી અપાયાં બહેનો માટેની સાત્વિક સર્જક પ્રવ્રુતિનાં વિકાસાર્થે ચાલતી આ નિ;શુલ્ક સંસ્થાને વેગ મળે તેવા ઉદેશ્યથી શ્રીમતી આશા વીરેન્દ્રએ ખાસ વલસાડથી આવી રૂ..૫૦૦ નુ અનુદાન આપ્યું હતું. એકંદર સાહિત્ય સાંનિધ્યનો આવી સ્પર્ધા યોજવાનો પ્રથમ પ્રયાસ ખૂબ જ સફળ રહ્યો..
બધી વાર્તાઓ એક પછી એક બ્લોગ પર મૂકવામાં આવશે...
09324100922
02226367044