Friday 4 November 2011

હાંસિયામાં

બારી પાસે ચૂપચાપ ઊભેલી નીરૂપમા ઘૂઘવાતા દરિયાને જોઇ રહી. વહેલી સવારનું ઉઘડતું આકાશ, દરિયાની લહેરો, દૂર ક્ષિતિજ પર દેખાતી માછીમારની હોડીઓ, ઉડતા પક્ષીઓની હાર અને દરિયે મોરનિંગ વોક લેતા લોકોને હોસ્પિટલનાં સાતમાં માળની રૂમમાંથી જોતી નીરુપમાના મનમાં પણ ગઇ રાત થી દરિયાની લહેરો જેવી હલચલ હતી. થોડી થોડીવારે પલંગ પર સૂતેલા એના પતિ કેતન તરફ એક નજર નાખતી નીરૂને થયું , આજે કેટલાં દિવસ પછી કેતન શાંતિ થી સૂતો છે. રૂમની બહાર હોસ્પિટલની સવારની રોજિંદી દોડધામ હતી. એ બધાથી બેખબર સૂતો હતો. આમ જોવા જાવ તો છેલ્લાં છ મહિનાથી નીરૂ પણ ક્યાં શાંતિથી સૂતી છે...
 એક અડધી રાતે એને જગાવતા કેતને કહ્યુતું" બહુ માથું દુખે છે પ્લીઝ નીરૂ કંઇ કર. આખી રાત એ બૂમાબૂમ કરતો રહ્યો. 
વહેલી સવારે જ તેઓ બન્ને ફેમીલી દોક્ટર પાસે પહોંચી ગયા. કેતનનું બ્લડ પ્રેશર હાય હતું.. ડોકટર પરીખે તપાસીને દવા આપતા કેતનને બે ત્રણ દિવસ આરામ કરવાનું કહ્યુંતું. ઓહ..નો.. ડોકટ્ર આજે તો ઘરે નહી રહેવાય. એકદમ અગત્યની મીટીંગ છે. કંઇક પણ કરો આ માથું દુખતુ બંધ કરો..
 કેતનભાઇ તમને આરામની જરૂરત છે ..ફક્ત દવાથી કશું  નહી થાય.. બે એક દિવસ આરામ કરો.રીલેક્સ. ઓફીસ ભાગી નહી જાય ..કાલે પાછા પ્રેશર મપાવા આવજો. નીરૂબેન ,એક કામ કરો કેતનભાઈને
 લઇને બે ત્રણ દિવસ મુંબઈની બહાર  જાવ. અરે ડોકટર સાહેબ મને ક્યાં મરાવો છો આમેય નીરૂની ફરિયાદ છે કે હું એને નહીં મારી ઓફીસને પરણ્યો છું. અને એણે નીરૂ સામે જોઇને હસવાનો પ્રયત્ન કર્યો..  કેતન સામે જોઇ રહેલી નીરૂને થયુંતું કે સાચે જ કેતનને આરામની જરૂર છે. હમણા રોજ રાતે ઓફિસેથી પાછો ફરે ત્યારે સોફા પર કેવો ઢગલો થઈને પડે છે . ખાવાપીવાનાયે હોશ નથી રહેતા પણ સાંભળે તો ને..
 ધીરે ધીરે દરિયા પર હલચલ વધી ગઈ . કિનારે આવેલી હોડીઓમાંથી માણસો માછલી ઉતારવા લાગ્યાં. માછલીઓને પકડવા પક્ષીઓનું ટોળું હોડીની આસપાસ ઊડવા લાગ્યું. એકબીજાનો હાથ પકડીને દરિયાની લહેરોમાં પગ બોળીને ઉભેલા એક કપલને નીરૂ એકીટશે જોઇ રહી. એ અને કેતન આમ જ લગ્નનાં શરૂઆતનાં દિવસોમાં રવિવારની સવારે વરસોવાના દરિયે ફરવા જતા. કેવા મજાનાં દિવસો હતા , પલંગ પરે સૂતેલા કેતન તરફ જોતા એને થયું કેતન ત્યારે કેવો હેન્ડસમ હતો. કાળા ઘેરા વાંકડિયા વાળનો  માથે જથ્થો હતો. હવે તો ટાલ પડી ગઈ. બંને જણા હાથમાં હાથ પોરવીને દરિયે ચાલતા ત્યારે લોકો નજર ભરીને એમને જોતા અને ખુશ થતો કેતન એને વધુ પાસે ખેંચીને ચાલતો . એકવડા બાંધાની ઊંચી નીરૂ પણ મસ્તીમાં કેતન પર પાણીની છોળો ઉડાડીને એને ભીંજવી નાખતી. 
નીરૂજ કેતનની દુનિયા હતી. ગુલછડીની દાંડી જેવી કમનિય નિરૂપમા પાછળ કેતન પાગલ હતો. નીરૂ , ઘર અને નોકરીમાં કેતનનીદૂનિયા સમાઈ જતી. પહેલા પુત્રનો પિતા બનતા કેતન ફૂલ્યો ન્હોતો સમાયો. રવિવારની સવારનો દરિયે જવાનો ક્રમ ચાલુ હતો.. હવે એમાં સુજીત ઉમેરાયો હતો. બીજા પુત્ર સુનિતના જન્મ પછી નીરૂ બન્ને બાળકોને લઈને દરિયે જતી પણ કેતન સાથ ન આપી શક્તો. એને ક્યારેક શુટ પર બહારગામ જવું પડતું. તો ક્યારેક ક્લાયન્ટ સાથે બ્રેક્ફાસ્ટ મીટીંગ રહેતી.
  ઊચો મજબૂત બાંધાનો કેતન તરવરાટ વાળો હતો. દરિયાની લહેરોની જેમ એની આંખોમાં સ્વપ્નાની ભરતી હતી.. એડવર્ટાઈઝીંગ કમ્પનીમાં ક્રીયેટીવ ડીપાર્ટમેન્ટ માં કામ કરતા કેતનની તૈયાર કરેલી સાબુની
જાહેરખબર પહેલીવાર ટી.વી પર આવી ત્યારે બન્ની સેલીબ્રેટ કર્યુતું.. નીરૂ બધાંજ ઓળખીતા પાળખીતાને કહી વળીતી. ત્યાર પછી કેતને પાછું ફરીને જોયું નહોતું. હરણફાળ ભરતી કેતનની કેરીયરે આજે એને એડવર્ટાઈઝીંગની દૂનિયાનો બેતાજ બાદશાહ બનાવ્યો હતો.. એ દુનિયામાં કેતન જોશીના નામના સીક્કા પડતા. એક જ કમ્પનીમાં છેલ્લા પ્ચ્ચીસ વર્ષ ખરચી નાખનાર કેતન ખાતા પીતા ઉંઘતા બસ કમ્પનીના જ વિચારો કરતો ..
  મસમોટો ફ્લેટ, રાચરચીલું આધુનિક સગવડથી ઘર ભરાઇ ગયું. પૈસાનાં બંદલથી નીરૂની પર્સ ભરેલી રહેતી. ઓફિસની પાર્ટીઓમાં નીરૂને લઇ જવામાં કેતન ગૌરવ અનુભવતો .
 હંમેશ ઓફિસની નાની મોટી વાત કેતન, નીરૂને કહેતો. પણ ધીરે ધીરે આ બધું ઓછુ થઈ ગયું . બી.કોમ. પાસ કર્યા પછી પોતાના કાકાની કંપની માં કામ કરવા લાગેલી નીરૂ પછી તો ઘર , બાળકો ,સગાવ્હાલા માંદગી વિ. ની પળોઅજણમાં અટવાઇ ગઈ અને સિધ્ધિના પગથિયા ચઢતો કેતન નીરૂથી ક્યાંય ઊંચે ચઢી ગયો. દરિયાને જોતી નીરૂ ને એકાએક થયું એ પોતે એક એક્વેરિયમની માછલી હતી. બધી જ સગવડોની વચ્ચે દીવાલોમાં પૂરાયેલી અને કેતન..સાત સાગરની સફરે નીકળ્યો તો..બારી પર ઉભેલી નીરૂના મને પ્રશ્ન કર્યો , આ બધું શું વિચારે છે..નીરૂ સાવ પાગલ છો તું, એ તો કહે કેતન ક્યારેય તારી વર્ષગાંઠ કે એનિવરસરી ભૂલ્યો છે? બીજા પતિ જેવો લફરાબાજ છે? ક્ષણ ભર નીરૂના મનની ગડમથલ થોભી ગઈ. મનમાં ને મનમાં નીરૂ બોલી હા, એ વાત સાચી. એવુ ન્હોતું કે કેતનને એની પડી નહોતી. કોઇ વરસગાંથે કે એનીવરસરી એ ભૂલ્યો ન્હોતો. મ્યુઝીકની શોખિન નીરૂ માટે એ ક્યાં ક્યાંથી સીડીનાં ઢગલા કરતો. પણ મ્યુઝીકનાં પ્રોગ્રામોની ટીકીટો મંગાવતો કેતન ઘણીવાર નીરૂને સાથ ન આપી શક્તો. ધીરે ધીરે કેતનના કેન્દ્રબિંદુમા રહેતી નીરૂ હાંસિયામાં ધકેલાઇ ગઈ હતી..
  ગુડમોર્નિંગ.. રૂમનાં દરવાજેથી મીઠો સ્વર સંભળાયો . આજ હમારા પેશન્ટ કૈસા હૈ?સિસ્ટરે  રૂમમાં અંદર આવતા પુછ્યું , ઓલ રેડી ટુ ગો હોમ મી. જોશી? ઓહ સિસ્ટર વેરી ગુડ મોર્નિંગ કેતને જવાબ આપ્યો. આફટર લોંગ ટાઇઅમ આઇ હેડ વેરી ગુડનાઈટ સ્લીપ. વેરી ગુડ મી. જોશી. અરે નીરૂ ત્યાં કેમ ઉભી છે, ચલ લેટ્સ ગેટ રેડી, ઉત્સાહથી ભર્યો કેતનનો અવાજ નીરૂએ સાંભળ્યો. ડોન્ટ બી એન હરી, ઇતના જલ્દી મત મચાવ. અભી ડિસચાર્જ ઓર્ડર આને દો. . સિસ્ટરે બ્લડ પ્રેશર માપતા કહ્યું . મિસીસ જોશી ઘરપે આપકો સબ દવા કૈસે દેના હૈ વો આપ સબ સમજ લેના. કહેતી સિસ્ટર રૂમની બહાર નીકળી ગઈ . નર્સ નાં જાતા જ કેતન પલંગમાંથી ઊભો થવા લાગ્યો. આદત વશ જ નીરૂઅએ હાથ પકડવાનો પ્રયાસ કરતાં કહ્યું  જરા ધીરે કેતન...
પ્લીઝ નીરૂ હું જાતે ઉઠીશ. હવે પહેલા કરતા મને ઠીક ઠીક દેખાય છે..
પણ ચક્કર આવશે તો...નીરૂએ જરા ઉશ્કેરાહટમાં કીધું..
ટેઇક ઇટ ઇઝી નીરૂ હુ ધીરે ધીરે ચાલીશ.મને પાંગળો ન બનાવ. ક્યાં સુધી તારો સહારો લઈશ..
અને કેતન ધીરા ડગલા ભરતો બાથરૂમ તરફ ગયો. ક્યાં સુઉધી તારો સહારો લઇશ એ શબ્દો ઝીણા ચૂટિયા જેવા નીરૂને  ચચરવા લાગ્યાં. નીરૂ પાછી બારીની બહાર જોઇ રહી. સી લીંક પર ગોઠવાયેલા ક્રેનને જોતા નીરૂ ને થયું કે આમ જ એ ક્રેનની જેમ જીંદગીના ચોસલાઓને મરજી મુજબ ગોઠવી શકી હોત તો...
ડોકટર પરીખ ની સલાહને કેતને કાને ન્હોતી ધરી. માથાનો વારંવાર દુખાવો થવા લાગ્યો. દવા લેવા છતાં પણ પ્રેશર ખાસ ઘટતું ન્હોતું. ડોકટરે ઘણાં બધા ટેસ્ટ કરવાના લખી આપ્યા તા. પણ કેતન બધું કાલ પર ટાળતો. પહેલીવાર નીરૂને ગભરામણ થઈતી. પોતાની તબિયત પ્રત્યે બેદરકાર રહેતા કેતન પર નીરૂને ઘણો ગુસ્સો આવતો. આંખો ખેંચી ખેચીં લેપટોપ પર કામ કરતા કેતનને એક દિવસ અચાનક આંખે 
ધુંધળુ દેખાવા લાગ્યું .ઊંઘમાંથી માથાના સખત દુખાવા સાથે જાગેલા કેતને નીરૂઅના નામની બેબાકળી બૂમ પાડી. નીરૂ પ્લીઝ ..નીરૂ ..મને કલીયર નથી દેખાતુ. જાણે એક ધરતીકંપ થયો હોય એમ આખી દુનિયા ઉલટસુલટ થઈ ગઈ . ત્યાર પછી તો એક ડોકટર પછી બીજા એક ઓપિનિયન પછી બીજો, પછે એમ. આર.આઇ. ,બ્લડ ટેસ્ટ, , હોસ્પિટલોનાં ચક્કર, રાત દિવસની દોડભાગઅને છેવટે બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું . ટ્યુમરનાં નામ સાથે જાણે કોઇ હિંસક પ્રાણી મોઢું ફાડીને તમને ગળી જવા ઉભું હોય એમ કેન્સરનો ભય બધાને સતાવવા લાગ્યોં. આ બધા વચ્ચે નીરૂ અડીખમ ઉભી હતી. શરૂઆતની ગભરામણ પછી નીરૂએ મન મક્કમ કરી લીધુ હતુ. બન્ને દીકરા યુ.એસ.એ થી આવી ગયા હતા..સગા વ્હાલા,દીકરાઓ બધાથી ઘેરાયેલો કેતન નાના બાળક જેવો થઈ ગયો હતો.. નીરૂ જરા પણ દૂર જાય તો નીરૂ ..નીરૂ કરી ઉઠતો..નીરૂનો હાથ પકડી રાખતો. હળવે હળવે નીરૂ એનાં માથા પર હાથ ફેરવતી. શરીરનાં બહૂજ નાજુક ભાગનું ઓપ્રેશન હતું. ઓપ્રેશન પછી આઇ.સી.યુ માં ક્રીટીકલ હાલતમાં કેતને દશ સિવસ કાઢ્યાં. ત્યારે બહાર સોફા પર બેસી રહેતી કંઇ કેટલીયે મોત મરીતી. મ્રુત્યુંજયનાં પાઠ કરતી દિવાલોને તાંકી રહેતી. એ બિહામણા દિવસો. ... બારીની બહાર દરિયાને જોતી નીરૂની આંખે ઝળહળિયાં આવી ગયા.  ટ્યુમર કેન્સર નું  નથી એવો રિપોર્ટ જ્યારે ડોક્ટરે આપ્યો ત્યારે નીરૂનાં આખાયે શરીરમાં ફૂલ જેવી હળવાશ ફરી વળી હતી..પ્રભુનો પાડ માનતી નીરૂની આંખો બંધ થઈ ગઈ હતી. ધીરે ધીરે ઘાની રૂઝ આવતા કેતનનાં બધા જ અંગઉપાંગ પાછા સારી રીતે કામ કરતા થઈ જશે, એ ડોઅલટરે ભાર પુર્વક જણાવ્યું હતું. ધનુષની પણછ જેવું નીરૂનું આટલા દિવસથી અકડાઇ ગયેલું શરીર હલ્કું ફૂલ જેવું થયું હતું .પછી તો નીરૂ બમણા ઉત્સાહથી કેતનની સારવારમાં લાગી ગઈ હતી. કેતનનો હાથ હાથમાં લઈને એની સાથે વાતો કરતી. ફિઝીયોથેરીપીસ્ટની બતાવેલી કસરતો કરવામાં કેતનને પ્રોત્સાહન આપતી.. કેતન ગુસ્સે થતો , કંટાળતો તોય એ મંડેલી રહેતી. ધીરે ધીરે કેતનને કોરીડોરમાં ચલાવતી. નાના બાળકની જેમ કેતનને ટાઇમ ટુ ટાઇમ ખવડાવતી અને જ્યારે બે દિવસ પહેલા ડોકટરે જણાવ્યું કે હવે એક બે દિવસમાં તેઓ ઘરે જઈ શકે છે. ત્યારે નીરૂની ખૂશીનો પાર નહોતો. કેતનને ધીરે ધીરે ચલાવીને એણે બારી પાસે બેસાડ્યો હતો. એની કમ્મર પર હાથ રાખીને બેઠેલો કેતન અને એ બન્ને દરિયાને ચૂપચાપ તાંકતા રહ્યાતા.
પણ ગઈ કાલે ..છેલ્લી વિઝીટે આવેલા ડોકટરને કેતને પ્રશ્ન કર્યો. ડોકટર સાહેબ હું ઓફિસે ક્યારથી જઈ શકીશ? જાણે આકાશમાં ઊડતા પંખીને તીર વાગતા એક તરફડાવ થાય એમ નીરૂનું મન તરફડી ઉઠ્યું. અને કોણ જાણે કેમ હોસ્પિટલથી ઘરે જવાનો ઉત્સાહ ઓસરી ગયો.. અત્યારે બારી પર ઉભેલી નીરૂ દૂર ભેખડ પર બેસેલા એકલાપક્ષીને જોઇ રહી હતી. 
                                                               

શ્રીમતી પ્રેરણા લીમડી


2 comments:

Anonymous said...

Wonderfu story. Title is apropriate. In short it says lots of things,

click on

www.pravinash.wordpress.com

महेश said...

વાર્તા ખૂબ ગમી અત્યારે આતલુ જ લખીશ કે વાસ્તવિક નિરુપણ છે અને લાગણીઓ ઘાયલ થાય ્છે