Saturday 29 October 2011

વગડાનું ફૂલ.

પ્રભાત થતા જ સુરજદાદાએ ઉગમણી દિશાએ થી હોંકારો દીધો. રૂપાવટી અંતરીયાળ ગામડું, ગણી શકાય તેટલાં ખોરડાં, દૂર દૂર ખેતરો, હાટને નામે બે ત્રણ દુકાનો, વસ્તીમાં કાઠી ને બીજાં કેટલાક વરણની વસ્તી,પણ ખરી જો કે કહેવું પડે આ ગામ ગોકળીયું , ત્યાં સંપ પણ એવો એકબીજાના સુખ દુખમાં આખું ગામ હ્રદય દઈને બેઠુ થઇ જાય..
ગામની વચ્ચોવચ કોઇ જોગી જોગંદરની જેમ અડી ખમ ઉભો છે પીપળો, એને માથેથીકંઇ કેટલાયે ચોમાસાં ગયાં, આજે રૂપાવટીની ખુશીમાં એનાં પાંદડા એ જાણે હરખથી ડોલી ઉઠ્યાં હતાં,રૂપાવટી આજે હિલોળે ચડ્યું હતું.આખાય ગામને ધજા પતાકાથી શણગાર્યું હતુ . ગામને તાલુકેથી ઉજવણીની તૈયારીઓ થઈ હતી.
કરસન અને જીવીની દીકરી રામી ગાવામાં પહેલે નંબરે આવી તેનો મેળાવડો હતો..
ત્યાં તો ગામમાં ધૂળ ઉડાવતી ગાડી આવી, મહેમાન સૌ વખતસર આવે ગયાં હતા. શાળાનાં આચાર્ય ,સરપંચ ને મહેમાનો ખુરશીમાં બેઠા બાકી બીજા બધાં જાજમ પર બેસી ગયાં. મુખ્ય મહેમાને રામી ઉર્ફે રમીલાને અભિનંદન આપ્યાં.,સરપંચે રામીને ગામની દિવડી કહીને ઇનામ આપ્યું. બધાને હાર તોરા કર્યા. ગામની શાળાને સાત ધોરણથી
 આગળ મેટ્રીક સુધી કરવા માટે ઘણું દાન મુખ્ય અતિથીએ આપ્યું . સરપંચે બનતા પ્રયત્ન કરવાનું વચન આપ્યું ..
 રામીનું હૈયુ આજે ફાટ ફાટ થતું હતું.માવતરની આજે ભીડ ભાંગશે.કિશન અત્યારે ક્યાંથી આવી ગયો ને મોઢું લાલચોળ થઈ ગયું..ચ મહિનામાં તો એની દુનિયા બદલાઇ ગઈ ગામને ચોરે ગુરુ પૂર્ણિમાનાં દિવસે આભમાં ચાંદલીયો મરક મરક હસતો હતો ને ચાંદની રેલાવતો હતો તે ઘડીએ સરપંચ બાપુએ કીધું " ગગી ઓલ્યું ગુરુજી વાળુ ભજન ગા" ને રાખી એ મીઠી હલકે "ઉંચી મેડી તે મારા સંતની રે" એ ભજન ગાયું . ચાંદનીમા તરબોળ થયેલા ગામવાસીઓએ ભજનનો ભક્તિરસ પણ ખોબલે ખોબલે પીધો.
 માતાની પાસેથી ભજનનો વારસો રામીને સાવ સહજ મળેલો તેનાં ગળાંમાં જાણે કોયલડી એ માળો બાંધ્યો હોય તેવો એનો અવાજ મીઠો . નવરાત્રિમાં તે ગરબો ગાતી ત્યારે જુવાનિયાં સાથે ઘરડાને મોઢેથી પણ
વાહ નીકળી જતી..રામી એટલે વગડાનું ફૂલ કે જે કુદરતનાં ખોળે કોઇપણ પ્રયાસ વગર ખીલ્યું હતુ..
મનુભાઈ બારોટ જે કામ માટે આ ગામે આવ્યાં હતા તેમને ફેરો સફળ થતો લાગ્યો. મનુભાઈ એ સરપંચ બાપુને રામી માટે ભલામણ કરી.
બીજે દિવસે સરપંચ , મનુભાઈ બારોટ ને મણીબેન ગણાત્રા કરસનનાં ઘરે ગયાં.
 કરસને અંતરનાં ઉમળકાથી મહેમાનને આવકાર્યા. ફળીમાં ખાટલો ઢાળી તેનાં પર ગોદડું પાથરી મહેમાનને બેસાડ્યાં. જીવી પાણી નો કળશ્યો ભરી લાવી. ને એક બાજુ ઉભી રહી .સરપંચ કરસનને સમજાવતાં કહ્યું "તારી દીકરી રામીનો કંઠ મીઠો છે તે એને ભજનું ,ગીતું, ગરબા ગાવા હાટુ શહેરમાં જવાની રજા દ્યો આ બેન કે છે કે રામી મા ભગવતીનો અવતાર છે આપણાં ગામનું નામ થાશે. કરસન મૂંઝાતો ના બાપ આપણી શાળાનાં ગોમતીબેન રામીની હાર્યે જશે વચાર ક્રીને પછી હા ભણજો..
" બાપુ ચા લાવી છું " રામી એ કળશ્યો મૂક્યો. "મેમાન ને દે" રામી એ મહેમાનને ચા પાયો. "લ્યો રામ રામ" બધાય ઉભા થયાં.
ફળીયાની  વાડ પર ચડતી ખીસકોલીને રામી જોઇ રહી તે કુદાકુદ કરતી ઘડીકમાં વાડ પર ચડતી તો ઘડીકમાં નીચે ઉતરી આમ તેમ જોતી. રામીનું મન પણ તો આ ખીસકોલીની જેમ જ કુદાકુદ કરતુ હતુ. કરસનને જીવી અંદરનાં ઓરડે ક્યાંય સુધી મુંગા મુંગા બેસી રહ્યા. ખેતીમાં વરસ નબળું જતા માથે દેવું ને ઘરમાં ગરીબી આંટા દેતીતી. દીકરીને સાસરે વળાવાની વાત યાદ આવતા મનનો મુંઝારો આંખેથી બહાર નીકળ્યોં..
જીવીએ પતિના આંસું પાલવથી લુછ્યાં .તેની સામે જોતા બોલી " ઇ ને જવાની રજા દ્યો રામીનાં બાપુ" પોતાની ઘરવાળી સામે કરસન ટગર ટગર જોઇ રહ્યોં.
કાળનાં ગર્ભમાં શું હતુ તેકોણ જાણે?
રામીને છેવટે જવા માટે રાજી કરી લીધી.. તદ્દન અજાણી દુનિયામાં જતા તે ગભરાતી હતી. મા એ હૈયાધારણ આપી."ગગી ભગવાનનું નામ લઈને મન મુકીને ગાજે.જીતવા હાટુ નહી પણ પરભુને રાજી કરવા ગાજે દીકરી મા ભગવતી તારું કલ્યાણ કરશે"
માવતર ને વડિલોનાં આશીષ પાલવમાં બાંધીને રામી શહેરમાં આવી. આ દુનિયા તેના માટે તદ્દન નવી હતી. તે દરેક ચીજને અજબ હેરતથી જોઇ રહેતી હતી. મણીબેન અને ગોમતીબેન તેને પ્રોત્સાહન આપીને તૈયાર કરતાં હતાં.તેના જેવા પંદર સ્પર્ધકો જુદાં જુદાં ગામડે થી આવ્યા હતાં. તે બધાયને મળી તેને હાશ થઈ.
સાત ધોરણ સુધી ભણેલી રામી નવું નવું જાણવા ને શીખવા માટે પોતાનો ઉત્સાહ બતાવતી. કોઇપણ ગીત સાવ સહજતાથી તે ગાઇ બતાવતી હતી. ગુજ્રાતનાં કાર્યક્રમ નાં ખાસ ભાગ રૂપે " હાલો લોકો સુર સંગીતને મેળે" નામની તદ્દન અનોખી સ્પર્ધા યોજાઇ હતી. રૂપાવટીમાં ફક્ત સરપંચનાં ઘરમાં જ ટી.વી હતુ. તેમણે ટી.વી બહાર મૂકી દીધું. રામીન ટી.વી ને પડદે જોઇ ગામલોકોએ ગોકીરો મચાવ્યોં. " હાલો લોક સંગીતને મેળે" કાર્યક્રમ શરૂ થયો. આપણાં પરંપરાગત લોકગીતો, સંતો ને કવિઓ ધ્વારા રચાયેલ અલભ્ય રચનાઓ બધાએ ઘેર બેઠા માણી.
લોકસુર સંગીતની યાત્રામાં લગ્નગીતો,ગરબા,ભજન જેવાં સાહિત્યનાં પ્રાચીન વારસાને માણતાં અબાલ વ્રુધ્ધો હરખાઈ ઉઠ્યાં.
શહેરની યુવા પેઢી જેનાથી વંચિત હતી તેવો આપણી સંસ્ક્રુતિનાં જતન કરીને જાળવી રાખેલો આ વારસો પંદર કિશોર કિશોરિઓ એ લોક ચરણે ધરીને આ કાર્યક્રમ્ને અતિ લોકપ્રિય બનાવી દીધો. અને પાછુ ત્યાં જનતાની દખલગીરી ન હોવાથી આ કાર્યક્રમને ખાલી માણવાનો જ હતો. તે આ સ્પર્ધાનીએ ખૂબી હતી. હારજીતની પરવા કર્યા વગર આ બધાં સ્પર્ધકો પોતાના તરફથી સૂર સંગીતનો એવો માહોલ ઉભો કરતાં કે દર્શકોને સમય ઓછો લાગતો .
સ્પર્ધાનાં અંતિમ તબક્કા સૂધી રામી ઉર્ફે રમીલા ચાહકોનાં હ્રદયમાં પોતાનું સ્થાન નિશ્ચિંત કરી ચુકી હતી." મારે ટોડલે બેઠો મોર કાં બોલે" કે પછી લગ્નગીત "સીતાને તોરણ રામ પધાર્યાં. " કે  ગરબો " તુ કાળી ને કલ્યાણી રે માજ્યાં જૌ ત્યાં જોગમાયા" આ અને ગીતો વડે રમીલા ઘેર ઘેર જાણીતી થઈ ગઈ.
તાળીઓનાં ગડગડાટથી રામી હસી અને વિચારી રહી કે હુ એ મુઇ કેવા વિચારે ચડી ગઈ ..રામી જોતી હતી કે એનાં સાસરાનાં ગામથી માધવપૂરથી કોઇ ન દેખાણુ.એની સખી લાડકુંવર પણ પૂછતી હતી ત્યારે રામી એ કહ્યું " મને એ નથી ખબર" રામીએ પોતાનાં ખોરડે જવા પગ ઉપાડ્યાં
" મા બાપુ , આપણું ખેતર છોડાવી લ્યો હવે"
" ના ગગી તારા પૈસા અમારે શા કામનાં?" " હવે કાંઇ બોલો તો તમને મારા ગળાનાં હમ બાપુ , આટલુ વેણ રાખી લ્યો. "
કરસન રામીને ભેટી પડ્યો. બંનેની આંખો છલકાઇ  "દીકરી , તે તો આજ દીકરાનું હાટુ વાળ્યું"
" મા, હું તમારો દીકરો જ છુ ને"
ખોરડામાં સોપો પડી ગયો.
" રામીનાં બાપુ તમે હવે રામી ને હકીકત કહી જ દ્યો" જીવી જાણે માંડ માંડ બોલી . એની આંખોમાં આજીજી ડોકાતી હતી.
"ના રામીની મા ના મારામાં હામ નથી"
રામી બંનેને અચરજ થી જોઇ રહી.
"હુ વાત છે બાપુ ? "
"દીકરી તારા જવાને બીજે દિ વેવાઇ સગપણ તોડી ગયા હતા" કરસન ઝડપથી ફળીયામાં ચાલ્યો.
રામી સમજી ગઈ કે તે શહેરમાં ગઈ તેથી આ બન્યું . હવે સમજાયું કે  તેનાં સાસરેથી કેમ કોઇ ના આવ્યું ..
જીવીએ દીકરીને છાતી સરસી ચાંપી આંખમાંથી આંસુની ધાર નીકળી પડી. ભ્રાયેલ કંઠે તેણે કહ્યું " ગગી મનમાં સહેજે હીજરાતી નો. હું બાર વરહની બેઠી છઉં.
રાતનાં રામી ક્યાંય સુધી પડખા ફેરવતી રહી.મેળામાં બંગડી અપાવતો કિશન દેખાયો. .તેની સાથે મેળામાં કેવી મજા કરી હતી. કિસનની યાદો તેને સુવા નહોતી દેતી. થોડા જ વખતમાં પાછુ બધુ બદલાઇ ગયું.
આ બાજુ કરસન વિ્ચારતો હતો કે શા માટે દીકરીનાં પૈસા લઉ છુ. અરેરે જીવતર બગડશે મારુ.. આ સાલ સારુ જાય તો બધુ બરાબર થઈ જાય . જીવીને સમજાતુ નહોતું કે તેથી દીકરીનાં ભાગ્યમાં શું છે? કિશન જોડે એનો મનમેળ હતો એ જીવીને ખબર હતી.
દિવસ ઉગતાં સૌ પોતપોતાને કામે વળગ્યાં  કરસન ખેતરે જવા માટે ઘરની બહાર નીકળતો જ હતો ત્યાં તો સામેથી વેવાઇને જોયાં. કરસનને જાણે શબ્દો સાથ નહોતા આપતા. "આવો " જીવીએ ફળિયાંમાં ખાટલો ઢાળ્યો . કળ્શ્યો મૂકી લાજ કાઢીને ઓસરીનો થાંભલો પકડી ઉભી રહી. ત્યાં વેવાઇ હરખથી બોલ્યા
"વેવાઇ ઓલી વાત ભૂલી જજો, મારી વહુ તો લખમીનો અવતાર છે આટલું મોટું ઇનામ જીત્યું. અમારાં ગામમાં તો બધા કહે છે કે વહું તો સુંડલો ભરીને રૂપીયા લાવશે ઝ્ટ લગન જોવરાવો હવે મોડું નથ કરવું."
કરસન કંઇ બોલે તે પહેલાં અંદરના ઓરડેથી લાજ કાઢીને આવેલી રામી બોલી" ના બાપુ હવે એ ના બને" એટલા વેણ કાઢીને ઓરડે થી પાછી વળી ગઈ .
ઓરડાની બારીમાં થી એક લીલું પતંગીયુ  તેની નજીકથી ઉડી ગયું. રામી એ પતંગીયાને જોતી રહી..એનુ હ્રદય એને હળવું લાગતુ હતુ..

No comments: