Friday 28 October 2011

અસ્તિત્વનો અર્થ

એમણે ધીમે ધીમે વ્હીલચેર બારીને નજીક ઘસડી.સામેની ફૂટપાથ નજીકના ગુલમહોર વૈભવ કોઇ રાજા _મહારાજાના સામ્રાજ્યની જેમ ફાલ્યો હતો, એનાં કેસરી ફૂલોની દાદાગીરી એટલી વધી ગઈ હતી કે , લીલા પાંદડાઓ તો બિચારાં ક્યાંય છુપાઇ ગયા હતાં. એના થડ પર ઉપરથી નીચે ને નીચેથી ઉપર ચ્ઢ -ઉતર કરવાની કસરત ખિસકોલીબઈ એટલી ગંભીરતાપુરવક કરી રહ્યાં હતાં કે જાણે એને સ્લીમ એન્ડ ત્રીમ બની જવું હોય! બસ, હવે તો આ બારીમાંથી જેટલું દ્રષ્ટિગોચર થાય, એટલું જ એમનું વિશ્વ.એટલે જ તો આ બારી એમેને આત્મીય લાગતી હતી . આખો વખત કપડાંનો કટકો લઈને એ બારીના સળિયા લૂછ્યા કરતાં, એમને ક્યાં બીજું કશું કામ હતું? એમની ગતિહીન જિંદગીમાં બસ , સમય જ સમય હતો. પહેલાં ઘડિયાળને કાંટે પોતે દોડતાં, હવે ઘડિયાળના કાંટાને દોડતા જોઇને બેઠાં બેઠાં પણ હાંફ ચઢી જાય છે.
           આવી અર્થ વિનાની જિંદગી જીવવાનું પોતાને ભાગે આવશે એવું કદી સ્વપ્નેય ક્યાં વિચાર્યું હતું! એમને માટે તો  પ્રવ્રુતિમય રહેવું એ જ જીવન હતું. લગ્ન કરીને આ ઘરમાં આવ્યાં ત્યારે ઉંમર હશે ઓગણીસ-વીસ વર્ષની . પિતાજી સુધારક વિચાર ધરાવત એટલે એ જમાનામાં પણ પોતે બી-એસ-સી સુધી ભણીને ગ્રેજ્યુએટ થઈ શકેલાં . એમ તો એમને જીવનસાથે ય કંઇ કમ નહોતો મળ્યો! શાંતિભાઇની વકીલાતની પ્રેકટીસ ધીકતી ચાલતી હતી. પરણ્યાની પહેલી જ રાતે માલતીબેને સંસારની જવાબદારીઓ ઉઠાવવામાં પોતે પ્તિને પડખે ઊભા રહેશે અને એમાં કોઇ કચવાટ ને અવકાશ નહીં રહે એમ હસતે મોંએ
સ્વીકારીને શાંતિભાઈનું દિલ જીતી લીધું હતું.
        ડોરબેલ ક્યારની રણક્તી હતી પણ માલતીબેન તો સુખદ સ્મ્રુતિઓનું ગોદડું ઓઢીને હુંફ મેળવી રહ્યાં હતાં. એ ગોદડું ખસેડતાં એમમે તકલીફ તો પડી, થોડો ગુસ્સો પણ આવ્યો, કોણ ટપકી પડ્યું અત્યારે? સુષ્મા તો ગુડ્ડીને લઈને બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી. રાકેશ પણ ઓફિસથી સીધો ત્યાં જવાનો હતો. એમને આવતાં તો ઘણું મોડું થઈ જશે . વળી એ લોકો પાસે તો લોકની ચાવી પણ હોય જ.. ત્યાં તો ઉપરા-છાપરી બેલ વાગી "આ કોણ નાનાં છોકરાની જેમ બેલ વગાડે છે?" એમ બબડતાં એમણે બારણું ખોલ્યું,સામે ઊભી હતી મજાની, મીઠડી, ગોળ - મટોળ પીંકી. સામેના ફ્લેટ્માં રહેતાં આભા અને અલોકની દીકરી પીંકીને જોતા જ એમનું મન ઉછળી પડ્યું, હાશ! એકલતાના ગઢમાં છીંડું પાડનારું કોઇ તો મળ્યું! ઘડી પહેલાં આવેલો ગુસ્સો મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયો.
              "આવ , પીંકી, અંદર આવ બેટા!" પીંકીને અંદર લઈ એમણે બારણું બંધ કર્યું
 "દાદીમા , તમે એકલાં જ છો ?ગુડ્ડી નથી ઘરમાં?"
   ચમકતી, લખોટી જેવી આંખો આખા ઘરમાં ફેરવતાં સાથે લાવેલી ચોપડીઓ બાજુ પર મૂકીને પીંકીએ સોફા પર જમાવ્યું..
"ના એ બર્થડે પાર્ટીમાં ગઈ છે મોડી આવશે"
માલતીબેનનો જવાબ સાંભળતાં જ પીંકી ચિંતામાં પડી ગઇ.
"હાય હાય હવે શું થશે સાસીમા, કાલે હોમવર્ક કરીને નહીં જાઉં તો ટીચર મને પસીશ કરશે. અમારે ઘરે ગેસ્ટ આવવાના છે ને એટલે મમ્મીને તો જરા પણ ટાઇમ નથી. મમ્મી મને કહે કે ગુડ્ડી ત્યુશન ટીચર પાસે સમ્સ સીખી આવી છે . એની બુકમાંથી હમણા કોપી કરી આવ, પછી મને જ્યારે ટાઇમ મળશે ત્યારે તને શીખવીશ . પણ ગુડ્ડી તો નથી, માય ગોડ , હવે શું કરું?
 પીંકીનાં હાવ ભાવ અને બોલવાની છટા જોઇને માલતીબેનને હસવું આવી ગયું.
"લાવ જોઉં, મને બતાવ તારા સમ્સ, મને આવડતા હશે તો હું તને કરાવીશ"
અવિશ્વાસની નજરે પીંકી એમની સામે જોઇ રહી.
'આ તો ઇગ્લીશમાં છે દાદીમા, એ કંઇ તમને થોડું આવડે ?'
આવડી અમસ્તી પીંકીએ ય એમની શકતિમાં અશ્રધ્ધા દાખવી તેથી એક ક્ષણ પૂરતું માલતીબેનને ઓછું આવી ગયું, પણ તરત એ હસી પડ્યાં . એમાં એનો બિચારીનો શું વાંક? એમ તો સુષ્માને પણ મારી આવડત પર ભરોસો નથી તેથી જ તો ગુડ્ડી ને ટ્યુશને મોકલે છે. વળી કહે છે પણ ખરી,
"બા, તમારાને હવેના એજ્યુકેશનમાં આસમાન-જમીનનો ફરક , હવેની મેઠડ પણ બધી જુદી હોય. નકામી તમારે માથાકૂટ કરવી એના કરતાં એ ટ્યુશને જાય એ સારું. તમ તમારે આરામ કરોને!"
આમ તો સુષમા સામે માલતીબેનને કોઇ ફરિયાદ નથી. સમ્જુ,સુશીલ અને ખાનદાન ઘરની દીકરી પોતાની ગ્રુહલક્ષ્મી બનીને આવી છે એ વાતનું તો એમને ગૌરવ છે.આ અપંગ સ્થિતિ હોવા છતાં માલતીબેનેનું સ્વમાન અકબંધ રહે એ રીતે એમની નાનામાં નાની વાતની કાળજી લે છે.કોઇ વાતે લાચારી ન લાગે , જરાય માન ભંગ ન થાય એમ સુષ્મા એમની તમામ સગવડ સાચવે છે. કશે ય બહાર જવાનું થાય તો ય એમની જરુરીયાતની દરેક ચીજ યાદ કરી કરીને એવી રીતે ગોઠવીને મૂકી જાય કે એમને તકલીફ ન પડે.
 આ બધું હોવા છતાં એમને સુષ્માની એક જ વાત ખટકતી તે એમની શક્તિ પરનો સુષમાનો અવિશ્વાસ, વ્હીલચેર પર બેઠાં બેઠાં આપવા કહે કે તરત જ એ બોલે ,
"અરે બા, ચાર જણાંની રોટલી કરતાં વાર કેટલી ? હું હમણાં ઝપાટામાં કરી નાખીશ.કોઇ વાર શાક સમારી આપવાનું કહે તો સુષમા હસીને વાત ઉડાવી દે,
"કોઇ આવીને જોશે તો કહેશી કે, વહુ તો સાસુ પાસે કામ કરાવે છે અને શાક સમારતા ચપ્પુ વાગી ગયું તો રાકેશ તો મારો ઉધડો લઈ લાખે , બા, અમારા જેવા ને આરામ કરવો છે તો કરવા મળતો નથી અને તમને કહીયે છે તો તમારે આરામ કરવો નથી"
 આ એક આરામ કરવાની વાત એમને સતત પરવશતાની યાદ અપાવ્યા કરતી હતી. મા સમાન સાસુની નાનામાં નાની જરુરિયાત જાણી જતી સુષમા માલતીબેનને શારડીની માફક વીંધી નાખતી પીડા કદી જાણી નથી શકી.
 પાછા એમણે પીંકી તરફ ધ્યાન આપ્યું અને કહ્યું " લાવ, પીંકી, તારી બુક આપ તો! મારાથી થાય એટલા સમ્સ કરી આપું, કાલે તારા ટીચરને બતાવજે. સાચા હશે તો હું તને એની મેથડ શીખવીશ"
 દાદીમાને સમ્સ આવડશે એવી તો પીંકીને ખાતરી હતી જ નહીં પણ ડૂબતો તરણું પકડે એ રીતે નછૂટકે એણે પોતાની બુક આપી. માલતીનેને બુક ખોલી ત્યાં તો જાણે "સીમ સીમ ખુલ જા" કહેતાં ગૂફાનું ધ્વાર ખુલી ગયું હોય એમ એમનું મનગમતું વિશ્વ ખુલી ગયું, અરે આ બધું તો પોતાને આવડે છે . આટલા વર્ષો પછી પણ જરા ય નથી ભૂલ્યાં. પીંકીએ બતાવેલા દાખલા ફટાફટ કરી આપી એમણે પીંકીને કહ્યુ
 "જો આ સમ્સ તારી ફેર બુકમાં કોપી કરીને તારા ટીચરને બતાવજે , સાચા પડે છે કે નહીં એ મને કાલે જરૂર કહી જજે હં!"
પીંકી ખુશ થતી"ગુડનાઈત દાદીમા" કહી ચાલી ગઇ.
 કોલેજમાં ભણતા ત્યારે ગણિત તો ખાસ એમની પસંદગીનો વિષય હતો. પીંકીને કરી આપ્યાં એવા દાખલા તો આવડે જ ને વળી, એમાં શી ધાડ મારવાની ? છતાં આવતી કાલે જાણે પોતાની પરીક્ષાનું પરિણામ આવવાનું હોય એમ છાતી ધડકવા લાગી. આમ તો ભણતરમાં કે પછી રાસ ગરબા કે નાટક કે વ્ક્ત્રુત્વ સ્પર્ધા જેવી કોઇપણ પ્રવ્રુતિમાં પોતે હંમેશા ઇનામને પાત્ર ઠર્યા હતાં. પણ પછી તો લગ્ન અને એની સાથે આવેલી જવાબદારીઓએ એમનાં જીવનનાં ઘણાં વર્ષો પોતાનાં હાથમાં લઈ લીધા હતાં. બિમાર સાસુ -સસરાની સાર સંભાળ , નણંદ-દિયરનાં લગ્ન, રાકેશ અને નંદિની નો જન્મ આમ એક પછી એક ઘટના આકાર લેતી ગઈ.અને માલતીબેને આદર્શ ગ્રુહિણી બનીને બધાં કર્તવ્ય નિભાવે ગયાં. એટલે રાકેસ અને નંદિનીનાં લગ્ન પતાવીને જાણે બધી સાંસારિક ફરજોમાં થી મુક્ત થયાં હોય એવું એમને લાગ્યું હતું.
અવકાશ મળતાં જ એમણે કંઇ ને કંઇ સેવાકિય અને સંસ્થાકીય કામોની શરૂઆત કરી, વિધવા,ત્યકતા, નિરાધાર બહેનોને સીવણ-ભ્રત શીખવવું. દર્દીઓને દવા ફળ-ફળાદિ પહોંચાડવા, કોઇકને લોન તો કોઇકને નોકરી અપાવવી. .આવા કામોમાં એમની ઝીણવટભરી દ્ર્ષ્ટિ અને સુઝબુઝ ખૂબ ઉપયોગી થતાં, લોકો ખૂબ આદરથી એમને જોતાં. સંસ્થાઓઅના વાર્ષિક મેળાવડા હોય, જ્ઞાતિ કે સમાજનો મનોરંજન કાર્યકમ હોય ત્યારે એ સોળે કળાયે ખીલી ઊઠતાં, એમાંય સુષમાની કુખે જ્યારે ગુડ્ડી નો જન્મ થયો ત્યારે તો એમના અને શાંતિભાઈનાં જીવનમાં જાણે આનંદની અવધિ આવી ગઈ. શાંતિ વારંવાર કહેતા" બસ આનાથી વધારે શું જોઇયે? હવે તો ગમે તે ઘડીએ ઉપરવાળાનું તેશું આવે તો પણ તૈયાર જ બેઠો છું" માલતીબેન નારાજ થઈને કહેતા "આવુણ આવું શું બોલ્યા કરતા હશો ?"
પણ શાંતિભાઇ જે બોલતા એ કરી બતાવ્યું .ફક્ત અડધા કલાકનાં છાતીમાં દુઃખાવામાં"હાર્ટ-ફેઇલ" નું સર્તિફિકેટ મેળવી તેઓ ચાલતા થયાં..પછી જાણે માલતીબેનની જિંદગી નિરસ થઈ ગઈ..ઇસ્ત્રી ટાઇટ સાડલો પહેરી ને જ ઘરની બહાર પગ મૂકનારાં માલતીબેન ગાભા જેવો સાડલો શરીરે વીંટી દેતા. એમનું બોલવું, ચાલવું,હસવું બધું સાવ બંધ થઈ ગયું હતું. સૌ કોઇ સમજાવતાં. જનારની પાછળ કંઇ જીવ થોડો કાઢી નખાય છે? જીવ તો ન કાઢી શકાયો પણ માલતીબેને ચેતન કાઢીને બતાવ્યું . પેરેલીસીસનાં એટેકમાં કમરથી નીચેનું અડધુ અંગ જડ થઈ ગયું.શરીરની સાથે જ એમની શસમસતી ભાગતી જિંદગીને પણ લકવો લાગી ગયો. "મારી આ દશા ?" મારે વી પરવશ જિંદગી જીવવાની? " આ એક નો એક વિચાર એમને કોરી ખાઓ હતો. આજ સુધી હું કેટકેટલાને મદદરુપ બની ને હવે મારે જ બીજાને આધારે જીવવાનો વારો આવ્યો. આ ખટકો એમનાં મનમાંથી નીકળતો નહોતો..
 અતીતની ગલીઓમાં ઘૂમતાં ક્યારે અડધી રાત થઈ ગઈ અને રાકેશ -સુષમા ઉંઘતી ગુડ્ડીને લઈને , લોક ખોલી ક્યારે ઘરમાં આવી ગયાં એ ખબર જ ન પડી. હજી સુધી એમને જાગતાં જો રાકેશને ચિંતા થઈ,
"કેમ બા, હજી જાગો છો? તબિયત તો બરાબર છે ને ?"
માલતીબેને હસીને કહ્યું
"બધું બરાબર છે , આ તો ટી.વી પર જૂની ફિલ્મ આવતી હતી એ જોતાં મોડું થઈ ગયું. જાવ જાવ બેટા શાંતિથી સુઇ જાવ"
સવારના ચા નાસ્તો કરતાં કરતા રાકેશ-સુષમા સાથે ગઇકાલની પાર્ટીની વાતો ચાલી કોણ કોણ આવ્યું હતું. શું શું ખાધુ-પીધુ, બાળકો કઈ રમતો રમ્યાં એ બધું માલતીબેને રસથી સાંભ્ળ્યું .અચાનક સુષમાને યાદ આવ્યું "બા, મારી બહેનપણી દિપ્તી પણ પાર્ટીમાં મળી ગઈ એણે કહ્યું કે એ હમણાં શાસ્ત્રીય સંગીત શીખે છે. લગ્ન પહેલાં હું પણ શીખતી હતી મારું તો અધૂરુ રહી ગયું .તમને અગવડ ન પડે તો હું શીખવાનું શરૂ કરુ? ગુડ્ડીનાં ટ્યુશનનાં ટાઇમે જ જવાનું હશે . જો તમે કહેતા હો તો..."
 એને વચ્ચેથી જ અટકાવીને માલતીનેને કહ્યું,
  "તારી વાત સાંભળીને હું કેટલી ખુશ થઈ છું, જાણે છે સુષમા? તમાર હરવા ફરવાના, મજા કરવાના દિવસોની મારી માંદગીને ખાતર આહિતિ આપો એ મને જરાય ન ગમે, તું કામ કરતાં કરતાં ગણગણતી હોય ત્યારે હંમેશા હું શ્રોતા બનીને સાંભળ્યા કરતી હોઉં છું..આટલું સરસ ગાતાં આવડતું હોય તો શીખીને આગળ વધવું જ જોઇયે, તું આજથી જ ક્લાસમાં જવાનું શરૂ કરી દે, મારી જરા પણ ફિકર ન કરીશ"
સુષ્મા આ સમજુ સ્ત્રીને મનોમન વંદન કરી રહી. બપોરે સાસુ- વહુ એ ચા પીધી. ગુડ્ડીને ટ્યુશને મોકલીને તરત સુષમા ક્લાસમાં જવા નીકળી. બસ હવે બે ત્રણ કલાક સાવ એકલાં. એકાદ મનગમતું પુસ્તક લઈને સમય પસાર કરવાનો માલતીબેન વિચાર કરે ત્યાંતો ડોરબેલ વાગી. બારણું ખોલ્યું તો સામે મરક મરક હસતી પીંકી. આજે તો સાથે મમ્મી અભા પણ હતી. બારણું ખોલતા જ પીંકી એમને ગળે વળગી પડી.
"દાદીમા, યુ આર ગ્રેટ. તમે કરાવેલા બધા સમ્સ રાઈટ પડ્યા ને મારી ક્લાસબુક વર્ક માં મને વેરી ગુડ મળ્યું. માલતીબેનની આંખોમાં ઝળઝલિયાં ભરાઈ આવ્યાં. પીંકીની નોટમાં લાલ અક્ષરે લખાયેલા"વેરી ગુડ" તરફ તેઓ એકીટસે જોઇ રહ્યાં. આ એક "વેરી ગુડ " આગળ આજ સુધી મળેલાં તમામ માન- અકરામ એમને ઝાંખા લાગ્યાં..આભાએ કહ્યુ" બા , પીંકીએ સ્કુલમાંથી આવીને વાત કરી ત્યારે મને ખરેખર નવાઇ લાગી હવે તો પીંકી જીદ લઈને બેઠી છે કે ,હું તો દાદીમા પાસે સમ્સ શીખવા જૈશ, મેં ઘણું સમજાવી કે , દાદીમાને હેરાન ન કરાય પણ એ તો માનતી જ નથી..
રુંધાઈ ગયેલા ગળાને સાફ કરતાં અને ચશ્માનાં કાચ લૂછતાં માલતીબેન ધીમેથી બોલ્યાં, "આભા, તને તો કલ્પના જ નહીં આવે કે મને આજે કેટલો આનંદ થયો છે , રાકેશનાં બાપુજીના ગયા પછી હું ખુશીની લાગણી અનુભવવવાનું જ ભૂલી ગઈ હતી, આજે ફરીથી હૈયું સાચા અર્થમાં ધબકતું થયું છે. તું જરાય સંકોચ વિના પીંકીને મોકલજે, મને ગમશે."
 એમનો આભાર માનતી આભા પીંકીને એમની પાસે મૂકી ગઈ. કલાકેક પીંકીને ભણાવ્યાં પછી એમને થાક લાગ્યોં, પીંકીનાં ગયા પછી ધીમે ધીમે વ્હીલચેર ખસેડતાં એ બારી પાસે પહોચ્યાં. સાંજ પડી ગઊ હતી. માળા ભણી પાછાં ફરતાં પંહીઓને જોઇ એમણે રોમાંચ અનુભવ્યો. સામેના ગુલમહોઅરના થડ પર પોતાનાં કામમાં વ્યસ્ત ખિસકોલીને જોઇ એમને હસવું આવ્યું એમણે મનમાં ને મનમાં કહ્યું "ખિસકોલીબેન, હવે તો હુ ય તમારી જેમ કામમાં બીઝી થઇ જવાની, હવે તો કોઇ પૂછ્શે તો હું પણ કહી શકીશ . અત્યારે મને સમય નથી...


શ્રીમતી આશા વીરેન્દ્ર..(વલસાડ)

3 comments:

Anonymous said...

ખુબ સુંદર વાર્તા. ઘણીવાર યુવાનો ભૂલી જતા હોય છે કે ઘરમાં રહેતાં હયાત માતા પિતાનાં દિલ ધબકે છે. તેમને પણ 'આઘાત પ્રત્યાઘાત' જેવું કાંઈક હોય છે. અભિમાન નહી, પણ સ્વમાન સર્વે ને સરખું જ કનડે છે.અતિ સુંદર-----

pleasevisit

www.pravinash.wordpress.com

Rekha Sindhal said...

Congratulations! very Good story.

Anonymous said...

very nice story.. congrets...

Lata J Hirani